Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
નડિયાદના 28 ભૂલકાઓએ સ્કેટિંગ થકી અંબાજી સુધીની 210 કિલોમીટર લાંબી સફર ખેડી. 5 થી 15 વર્ષના સ્કેટર્સે મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી, 2036 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ જીતવાના આશીર્વાદ માંગ્યા. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરથી આશીર્વાદ લઈને નીકળેલા 28 સ્કેટર્સ અને 3 કોચની ટીમ પાંચ દિવસની કઠિન યાત્રા બાદ અંબાજી પહોંચી. રસ્તામાં આવતા પહાડી વિસ્તારો અને કાળઝાળ ગરમી જેવી પડકારોને પાર કરવા છતાં, આ બાળકોના ચહેરા પર થાકને બદલે મા અંબેના દર્શનનો ઉત્સાહ સ્પષ્ટ દેખાયો. અંબાજી મંદિરના પ્રાંગણમાં બાળકોએ સ્કેટિંગના અદ્ભુત કરતબો બતાવ્યા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલથી દૂર રાખી શારીરિક રમતો તરફ વાળવાનો છે. આ બાળકો હવે માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્કેટિંગ દ્વારા યાત્રા કરવા અને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરવાનું સપનું જોઈ રહ્યા છે.





















