સાંઈરામ યુવક મંડળ દ્વારા બનાવાયેલા મૈસુર પેલેસ થીમ પર આધારિત ગણપતિ પંડાલ જોવા ભક્તોનું ઘોડાપૂર
સુરતના અલથાણ - ભટાર વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ગણપતિ પ્રતિમાની સ્થાપના કરતા સાંઈ રામ યુવક મંડળ દ્વારા આ વખતે મૈસુર પેલેસ થીમ પર ભવ્ય પંડાલ બનવવામાં આવ્યો છે.
સુરત: મુંબઈ અને પુણે બાદ સૌથી મોટા પ્રમાણમાં સુરત ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. સુરતના અનેક એવા ગણપતિ મંડળો છે કે જેઓ પંડાલના નિર્માણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે અને વિવિધ થીમ પર આકર્ષક અને કલાત્મક પંડલો બનાવે છે. ત્યારે સુરતના અલથાણ - ભટાર વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ગણપતિ પ્રતિમાની સ્થાપના કરતા સાંઈ રામ યુવક મંડળ દ્વારા આ વખતે મૈસુર પેલેસ થીમ પર ભવ્ય પંડાલ બનવવામાં આવ્યો છે જે જોવા માટે અને ગણપતિ બાપ્પાના દર્શન માટે રોજેરોજ કીડિયારું ઉભરાઈ રહ્યું છે. આ સાથે ગણેશ ઉત્સવના અંતિમ બે દિવસ અહીં ઈચ્છાપૂર્તિ ગણપતિ પ્રતિમા મૂકવામાં આવશે ત્યારે ભકતોનું ઘોડાપૂર આવશે.
આ અંગે સાંઈ રામ યુવક મંડળના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે સાંઈ રામ યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર આધારિત પંડાલનું નિર્માણ કરવામાં આવે છે. આ વખતે અલથાણ - ભટાર કોમ્યુનિટી હોલ ખાતે મૈસુર પેલેસની થીમ પર ભવ્ય પંડાલ બનવવામાં આવ્યો છે. સાથે જ મંડળ દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવના દસે દસ દિવસ વિવિધ સામાજિક સેવાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નોટબુક વિતરણ, રક્તદાન શિબિર વગેરે કાર્યક્રમો સામેલ છે. જ્યારે સાંઈ રામ યુવક મંડળના ગણપતિને લઈને લોકોમાં એવી આસ્થા છે કે અહીં મૂર્તિના કાનમાં બોલવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે અને એટલે જ સાંઈ રામ યુવક મંડળના ગણપતિને ઈચ્છાપૂર્તિ ગણપતિ તરીકે પણ ઓળખાય છે. આ વખતે પણ લોકો પોતાની મનોકામના ભગવાન ગણેશજી ને કહી શકે એ માટે છેલ્લા બે દિવસ ઈચ્છાપૂર્તિ ગણપતિ મૂકવામાં આવશે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઈચ્છાપૂર્તિ ગણપતિ સમક્ષ પોતાની મનોકામના કહેવા ઉમટી પડે છે અને જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેઓ બધાની મૂર્તિ પંડાલમાં મૂકી જાય છે. આ વખતે પણ હજારોની સંખ્યામાં ભક્તો બધાની મૂર્તિ મૂકી ગયા છે.
- વર્ષ 2009 થી દરેક સીએમ પહોંચ્યા બાપ્પાના દર્શન માટે
સાંઈ રામ યુવક મંડળ દ્વારા ઉજવાતા ગણેશ ઉત્સવની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ વર્ષોથી લેવામાં આવી રહી છે. વર્ષ 2009 થી અત્યાર સુધીમાં જે પણ ગુજરાતના સીએમ રહ્યા તે સૌ સાંઈ રામ યુવક મંડળના ગણપતિના દર્શન માટે પહોંચ્યા છે. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી, આનંદીબેન પટેલ, વિજય ભાઈ રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તત્કાલીન. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી ફળદુ, જીતુ વાઘાણીએ પણ સાંઈરામ યુવક મંડળના ગણપતિ પંડાલની મુલાકાત લઈ ચૂક્યા છે.
(Disclaimer: એબીપી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ /અથવા એબીપી લાઇવ આ લેખની સામગ્રી /અથવા અહીં વ્યક્ત કરાયેલા વિચારોને કોઈપણ રીતે સમર્થન/સબ્સ્ક્રાઇબ કરતું નથી. વાચકને વિવેકબુદ્ધિની સલાહ આપવામાં આવે છે.)