બંગાળી ફિલ્મ ઈંડસ્ટ્રીની અભિનેત્રીઓ કેમ કરી રહી છે આપઘાત? બે અઠવાડિયામાં 4 હિરોઈનોએ આપઘાત કર્યો
છેલ્લા 15 દિવસ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ આઘાતજનક રહ્યા છે.
Bengali Actress Suicide: છેલ્લા 15 દિવસ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ આઘાતજનક રહ્યા છે. આ બે અઠવાડિયામાં બંગાળની ફિલ્મ જગત સાથે જોડાયેલી 4 અભિનેત્રીઓ અને મોડલ્સે આત્મહત્યા કરી લીધી છે. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેટેસ્ટ આત્મહત્યાનો કિસ્સો સરસ્વતી દાસનો છે, જેમણે માત્ર 18 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. કોઈપણ મનોરંજન જગત માટે આ ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી આઘાતજનક ઘટના છે. સતત આત્મહત્યાના કિસ્સાઓથી બંગાળી ફિલ્મ ઉદ્યોગને હચમચાવી દીધી છે. દરમિયાન, અમે તમને તે 4 બંગાળી અભિનેત્રીઓ અને મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે છેલ્લા 15 દિવસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
1- પલ્લવી ડેઃ
આ યાદીમાં પહેલું નામ પલ્લવી ડેનું આવે છે, જેણે આ મહિનાની 15 તારીખે આત્મહત્યા કરી લીધી હતી. 25 વર્ષની પલ્લવીનો મૃતદેહ તેના ફ્લેટમાં ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. અભિનેત્રીના પરિવારે તેના બોયફ્રેન્ડ સાગ્નિક ચક્રવર્તી પર તેમની પુત્રીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, સાગ્નિક પહેલેથી જ પરિણીત હતો, જેના કારણે પલ્લવી અને ચક્રવર્તી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારબાદ પોલીસે સાગ્નિકની ધરપકડ કરી હતી.
2- બિદિશા ડેઃ
25 મેના રોજ બંગાળની અભિનેત્રી બિદિશા ડેનો મૃતદેહ તેના નવા એપાર્ટમેન્ટમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બિદિશાના મૃતદેહની સાથે પોલીસને તેના એપાર્ટમેન્ટમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિદિશા ડેને તેના જિમ ટ્રેનર બોયફ્રેન્ડ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, બિદિશા ડેના પાર્ટનરનું તેના સિવાય અન્ય યુવતીઓ સાથે અફેર ચાલી રહ્યું હતું. જ્યારે અભિનેત્રીને આ માહિતીની જાણ થઈ તો તે પરેશાન થઈ ગઈ અને બગડતા સંબંધોને જોતા તેણે આત્મહત્યા કરવાનું યોગ્ય માન્યું હતું.
3- મંજુષાઃ
નોંધનીય છે કે બંગાળની અભિનેત્રી મંજુષા બિદિશા ડેની નજીકની મિત્ર હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આત્મહત્યા કરતા પહેલા બિદિશાએ મંજુષા સાથે તેના જીવનની સમસ્યાઓ વિશે વાત કરી હતી. મોડલ અને અભિનેત્રી મંજુષાએ 27 મેના રોજ આત્મહત્યા કરી લીધી હતી. મનાઈ રહ્યું છે કે, તેની મિત્ર બિદિશાના મૃત્યુ બાદ તે આઘાતમાં હતી. જો કે મંજુષાએ બહુ નાની ઉંમરમાં જ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. પરંતુ તેના આપઘાતનું મુખ્ય કારણ હજુ પોલીસ જાણી શકી નથી.
4- સરસ્વતી દાસઃ
આ યાદીમાં 18 વર્ષની સરસ્વતી દાસનું નામ ચોથા નંબર પર છે. આજે સરસ્વતી દાસે આત્મહત્યા કરીને પોતાનું જીવ ટુંકાવ્યું હતું. સરસ્વતીનો મૃતદેહ તેના નિવાસસ્થાન બેડિયાડાંગા ખાતે ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. સરસ્વતી દાસે 12મું ધોરણ છોડીને મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. સરસ્વતીના કોલ રેકોર્ડ પરથી પોલીસને ખબર પડી કે, તેણી અને તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો. આ વાત બપોરે 1 વાગ્યાની આસપાસના કોલ રેકોર્ડિંગમાંથી બહાર આવી હતી. જોકે, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.