Nora-Jacqueline : નોરાના 200 કરોડના માનહાનીના કેસને લઈને જેકલીનના વકીલે આપ્યો વળતો જવાબ
એક વાતચીતમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસના વકીલ પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કે, તેમના ક્લાયન્ટે જાહેર કે ખાનગી પ્લેટફોર્મ પર ક્યારેય નોરા ફતેહી વિશે કંઈ ખરાબ કહ્યું નથી.
Nora Fatehi Files Defamation : બોલિવુડની બે અભિનેત્રીઓ એક મહાઠગના કારણે કાયદાકીય ગુંચવાડામાં ફ્સાયા બાદ હવે સામસામે આવી ગઈ છે. અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચે કાનૂની વિવાદ દિવસે ને દિવસે નવા વળાંક લઈ રહ્યો છે. નોરા ફતેહીએ જેકલીન સામે 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. નોરાનો આરોપ છે કે જેકલીન ફર્નાન્ડિસે દૂષિત ઈરાદાથી ખોટા નિવેદનો આપ્યા હતાં, જેના કારણે તેની ઈમેજ ખરડાઈ રહી છે. તો હવે જેકલીન ફર્નાન્ડીઝના વકીલે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
જેકલીન ફર્નાન્ડીઝના વકીલનો જવાબ
એક વાતચીતમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસના વકીલ પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કે, તેમના ક્લાયન્ટે જાહેર કે ખાનગી પ્લેટફોર્મ પર ક્યારેય નોરા ફતેહી વિશે કંઈ ખરાબ કહ્યું નથી. તેણે હંમેશા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી વિશે વાત કરવાનું ટાળ્યું છે.
કાયદાકીય રીતે આપશે જવાબ
પ્રશાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે, તેમને નોરા ફતેહી તરફથી માનહાનિના કેસની કોઈ નકલ મળી નથી અને જો તેણી કરશે તો અમે તેનો કાયદેસર જવાબ આપીશું. ઈડીએ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બંનેની પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે. જેમાં માસ્ટર માઈન્ડ સુકેશ ચંદ્રશેખર મુખ્ય આરોપી છે.
નોરાએ જેકલીન પર આરોપો લગાવતા કહ્યું હતું કે...
નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડીઝ સહિત 15 મીડિયા કંપનીઓ પર ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે પિટિશનમાં કહ્યું હતું કે, જેકલીન ફર્નાન્ડિસ પ્રોફેશનલી તેની વધતી જતી કરિયર સાથે સ્પર્ધા કરી શકવા સક્ષમ નથી. એટલા માટે તેઓએ તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. નોરા ફતેહીનું કહેવું છે કે તેની ઈમેજને નુકસાન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુરેશને મળ્યાના 10 દિવસમાં જ જેકલીનને તેના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવવામાં આવ્યું હોવાનો આરોપ છે. આમ છતાં અભિનેત્રી તેના સંપર્કમાં રહી અને મોંઘી ભેટ લેતી રહી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે, સુકેશે બહેરીનમાં રહેતા જેકલીનના માતા-પિતા અને અમેરિકામાં રહેતી તેની બહેનને મોંઘી કાર આપી હતી. આ સિવાય તેના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા. હાલ આરોપી સુકેશ ચંદ્રશેખર જેલના સળિયા પાછળ છે. સુકેશ પર આરોપ છે કે તેણે પ્રભાવશાળી લોકો સહિત ઘણા લોકોને છેતર્યા છે.