લતા મંગેશકરે હોસ્પિટલમાં અંતિમ દિવસોમાં કોના ગીતો સાંભળ્યાં, હોસ્પિટલ મંગાવ્યો હતો એરફોન, ભાઇ હૃદયનાથે કરી આ વાત
લતા મંગેશકર તેમના છેલ્લા શ્વાસ સુધી સંગીત સાથે જ જીવ્યા, જાણો કોના ગીતો લતા મંગેશકરે હોસ્પિટલમાં સાંભળવા માટે ઇયરફોન મંગાવ્યો હતો.
લતા મંગેશકર તેમના છેલ્લા શ્વાસ સુધી સંગીત સાથે જ જીવ્યા, જાણો કોના ગીતો લતા મંગેશકરે હોસ્પિટલમાં સાંભળવા માટે ઇયરફોન મંગાવ્યો હતો.
ભારત રત્ન લતા મંગેશકરનું રવિવારે વહેલી સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે નિધન થયું હતું. મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરે પોતાનું આખું જીવન સંગીતના નામે જ કર્યું હતું. જીવનના અંતિમ દિવસોમાં પણ તે સંગીતના સહારે શાંતિથી શ્વાસ લેતી રહી. લતા મંગેશકર, જેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય ગીતો ગાવામાં પસાર કર્યો, તેમણે જિંદગીના અંતિમ દિવસોમાં કોના અવાજમાં ગીતો સાંભળ્યાં હતા.
લતા મંગેશકરે હોસ્પિટલમાં ગીતો સાંભળવા માટે ઈયરફોન માંગ્યા હતા અને તેઓ તેમના પિતાના ગીતો સાંભળી રહ્યા હતા. લતા મંગેશકરનું જીવનચરિત્ર લખનારા લેખક હરીશ ભીમાણીએ આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં ભારત રત્નની અંતિમ ક્ષણો વિશે માહિતી આપી છે. આ માહિતી તેમને લતાજીના ભાઈ હૃદયનાથ મંગેશકરે આપી છે. તેમણે લતાજીના છેલ્લા બે દિવસ વિશે જણાવ્યું હતું.
લતા મંગેશકરના ભાઈ હૈદયનાથ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, લતા દીદી છેલ્લી ક્ષણે તેમના પિતાને યાદ કરી રહ્યાં હતા. તે તેના પિતાના ગીતો સાંભળતી હતી અને તેને ગાવાનો પ્રયત્ન કરતી હતી. લતા મંગેશકરને હોસ્પિટલમાં માસ્ક ઉતારવાની મનાઈ હતી, પરંતુ તેમ છતાં તેમણે માસ્ક હટાવીને ગાવાનો પ્રયાસ કર્યો હતો.
લતા મંગેશકરના જીવનનું છેલ્લું રેકોર્ડિંગ
લતા મંગેશકરે તેમનું છેલ્લું ગીત 'સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી' રેકોર્ડ કર્યું હતું જે ભારતીય સેના અને રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ તરીકે મયુરેશ પાઈ દ્વારા રચવામાં આવ્યું હતું. તે 30 માર્ચ, 2019 ના રોજ રીલિઝ થયું હતું. તેમનું છેલ્લું આલ્બમ 2004માં યશ ચોપરાનું વીર-ઝારા હતું. તેના છેલ્લા રેકોર્ડિંગ વિશે વાત કરીએ તો, તેણે ઈશા અંબાણીના લગ્ન માટે ગાયત્રી મંત્ર અને ગણેશ સ્તુતિ રેકોર્ડ કરી હતી.