TV Show : 'કોમેડી નાઈટસ વિથ કપિલ'નો આ અભિનેતા બન્યો કેન્સરનો શિકાર
56 વર્ષીય અભિનેતા અતુલ પરચુરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અભિનેતા કેન્સરથી પીડિત હોવાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા છે.
Atul Parchure Battling With Cancer: 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'ના અભિનેતા અતુલ પરચુરે હચમચાવી નાખતો ખુલાસો કર્યો છે. 56 વર્ષીય અભિનેતા અતુલ પરચુરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અભિનેતા કેન્સરથી પીડિત હોવાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા છે. અભિનેતાએ જણાવ્યું હતું કે, તેને કેન્સરનું નિદાન કેવી રીતે થયું.
કેવી રીતે અતુલ પરચુરેને કેન્સરની ખબર પડી
ETimesને આપેલા એક ઇન્ટરવ્યુમાં અતુલ પરચુરેએ કહ્યું હતું કે, મેં લગ્નના 25 વર્ષ પૂરા કર્યા હતા. જ્યારે અમે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ગયા ત્યારે હું ઠીક હતો. પરંતુ થોડા દિવસો પછી હું કંઈ ખાઈ શક્યો ન હતો. અભિનેતાએ વધુમાં ઉમેર્યું કે, મને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. બાદમાં મારા ભાઈએ મને કેટલીક દવાઓ આપી પરંતુ તે પણ મને મદદરૂપ ના બની શકી.
ઘણા ડોકટરોની મુલાકાત લીધા પછી મને અલ્ટ્રાસોનોગ્રાફી કરાવવાનું કહેવામાં આવ્યું. જ્યારે ડૉક્ટરે આ કર્યું ત્યારે મેં તેમની આંખોમાં ડર જોયો અને મને ખાતરી થઈ ગઈ કે કંઈક ખોટું થયું છે. મને કહેવામાં આવ્યું કે, મારા લીવરમાં લગભગ 5 સેમી લાંબી ગાંઠ છે અને તે કેન્સર છે. મેં તેમને પૂછ્યું કે, હું ઠીક થઈશ કે નહીં? તો તેમણે કહ્યું કે, હા, તમે ઠીક થઈ જશો. જો કે, સારવારની મારા પર અવળી અસર થઈ અને મારી તબિયત વધુ બગડતી રહી. જેને કારણે સર્જરીમાં વિલંબ થયો.
ખોટી સારવારને કારણે તબિયત બગડી
અતુલે કહ્યું હતું કે, જાણકારી મળ્યા બાદ મારી સારવારની પ્રહેલી પ્રક્રિયા જ ખોટી શરૂ થઈ હતી. મારા સ્વાદુપિંડને અસર થઈ અને મને તકલીફ થવા લાગી. ખોટી સારવારથી સ્થિતિ ખરેખર વધુ ખરાબ થઈ ગઈ. હું ચાલી પણ શકતો ન હતો. હું સરખી રીતે વાત પણ નહોતો કરી શકતો. આ સ્થિતિમાં ડોક્ટરે મને દોઢ મહિનો રાહ જોવાનું કહ્યું. તેમણે કહ્યું કે, જો તેઓ સર્જરી કરાવશે તો મને વર્ષો સુધી કમળો થઈ જશે અને મારા લિવરમાં પાણી ભરાઈ જશે અથવા તો હું બચી નહીં શકું. મેં ડોક્ટરો બદલ્યા અને યોગ્ય દવા લીધી. અને કીમોથેરાપ લીધી.
કેન્સરને કારણે અતુલ કપિલ શર્માનો શો નહોતો કરી શક્યો
લોકપ્રિય મરાઠી અભિનેતા વર્ષો સુધી કપિલના શોનો ભાગ હતો. અભિનેતાએ કહ્યું હ્તું કે, તે તેની તબિયતને કારણે ટીમ સાથે કામ કરવાનું ચૂકી ગયો નહીં તો તે તેમની આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર તેમની સાથે જઈ શક્યો હોત. અભિનેતાએ શેર કર્યું હતું કે, "હું ઘણા વર્ષોથી કપિલ શર્મા શો કરી રહ્યો છું. તેણે મને સુમોનાના પિતાની ભૂમિકા ભજવવા માટે બોલાવ્યો હતો. મારા કેન્સરને કારણે હું તે એપિસોડમાં પરફોર્મ કરી શક્યો નહીં. હું કપિલ સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જઈ શક્યો હોત. જોકે મને જલદીજ ખબર પડી જશે કે, હું સંપૂર્ણ સ્વસ્થ થયો છું કે કેમ.
ઉલ્લેખનીય છે કે, અતુલ આર.કે. લક્ષ્મણ કી દુનિયા, કોમેડી નાઇટ્સ વિથ કપિલ, જાગો મોહન પ્યારે અને ભાગો મોહન પ્યારે જેવા અન્ય ઘણા શોમાં જોવા મળ્યો છે.