Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 20 વર્ષથી નાસતા હત્યારાને જાણો ક્યાંથી ઝડપી પાડ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 20 વર્ષ પહેલા ગુનો કરી નાસી ગયેલા આરોપીને ઝડપી લીધો છે. હત્યાના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દ્વારા રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 20 વર્ષ પહેલા ગુનો કરી નાસી ગયેલા આરોપીને ઝડપી લીધો છે. હત્યાના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દ્વારા રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. 2004 માં આરોપીએ શહેરના નારોલ વિસ્તારમાં એક શખ્સની હત્યા કરી ફરાર થયો હતો. હત્યાના આરોપીને અમદાવાદ પોલીસ દ્વારા બાતમીના આધારે રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બાંચે આ આરોપીને દાણીલિમડા પોલીસને સોંપી દિધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનો આરોપી વેનારામ ઉર્ફે વિનોદ મારવાડી વર્ષ 2004 માં ઈસનપુર વિસ્તારમાં ભાડાના વિસ્તારમાં રહેતો હતો. વેનારામ એક ભાગીદાર સાથે મળીને નારોલ વિસ્તારમાં એક ઘાટ ભાડે રાખી ત્યાં કપડાં ધોવાનું કામ કરતો હતો. 26 એપ્રિલ 2004 ના રોજ આરોપી ઘાટ પર કપડા ધોઈ રહ્યો હતો. ત્યારે ખન્ના મારવાડી નામના વ્યક્તિએ આરોપીનો મોબાઈલ અને રુ. 2000 લઈ લીધા હતા. જ્યારે વેનારામે શખ્સ પાસે મોબાઈલ અને રુપિયા પાછા માગ્યા તો તેણે આપવાની ના પાડતા બંને વચ્ચે મારામારી થઈ હતી. વેનારામે તે શખ્સને પકડી મુક્કા અને લાતથી માર મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી.
ખન્ના મારવાડી ત્યાં ઢળી પડતા વેનારામે તેને ખેંચીને ઘાટના કમ્પાઉન્ડની બહાર સુવાડી દીધો હતો. જોકે બીજા દિવસે સવારે તે વ્યક્તિનું મોત થયું હતું. આ અંગે વેનારામને જાણ થતાં પોલીસ કાર્યવાહીના ડરથી ફરાર થઈ ગયો હતો. તે દિવસથી આજ દિન સુધી પોલીસને આરોપીની કોઈ ભાળ મળી નહોતી.
શહેર ક્રાઈમબ્રાંચના અધિક પોલીસ કમિશનરની નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાના આધારે PI પી. કે. ગોહિલની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને 20 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપી 54 વર્ષીય વેનારામ ઉર્ફે વિનોદ મેઘવાલની બાતમી મળી હતી. જેની અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા રાજસ્થાનના પાલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં વધતી જતી ગુનાખોરી મુદ્દે શહેર પોલીસ કમિશનરે આપ્યું મોટું નિવેદન
અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશનર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે,ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વાહનની તપાસ કરવી શક્ય નથી પણ હા રિવરફ્રન્ટ પર CCTV જરૂરી છે. આ મુદ્દે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે
ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ અને આત્મહત્યાના મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા શાહપુર અને વટવામાં પણ હત્યાની ઘટના બની હતી. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, માધ્યમોમાં બતાવવામાં આવે છે કે, અમદાવાદ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે પરંતું ગુનાખોરીની માત્રા વધતી ઘટતી રહે તેના માટે પેનિક થવાની જરૂર નથી. રિવરફ્રન્ટવાળી ઘટના મર્ડર કે ફાયરિંગની નથી તેમાં સ્મિતે ડરના માર્યા આપઘાત કર્યો છે.