Ahmedabad News: સરકારી જમીન પર દબાણ કરનારા સામે કાર્યવાહી કરશે AMC, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાશે ગુનો
અમદાવાદમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરાઇ હતી
અમદાવાદઃ અમદાવાદમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તંત્રએ તૈયારી કરી હતી. ટાઉન પ્લાનિંગ કમિટીમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે AMCના રિઝર્વ પ્લોટ ઉપર થયેલા દબાણ મુદ્દે યાદી તૈયાર કરવામાં આવે. સાથે જ જે સરકારી જમીનો ઉપર એક વાર દબાણ હટાવાયા બાદ ફરી દબાણ ઉભા થયા હોય તેવા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં સરકારી જમીન પચાવી પાડવા માટે ધાર્મિક સ્થાનોનો પણ ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પણ AMCએ દબાણ હટાવવા અને સ્થાનિક પોલીસની મદદ લેવા તૈયારીઓ શરૂ કરી છે.
શહેરમાં આવેલી સરકારી જમીન ઉપર એક વાર દબાણ કર્યા બાદ તેને તોડી પાડવા અને ફરી દબાણ કરવા અંગે AMC દ્ધારા ટાઉન પ્લાનિંગ કમિટીમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યુ છે કે AMC ના રિઝર્વ પ્લોટ ઉપર થયેલા દબાણ અંગે યાદી તૈયાર કરવામાં આવે.જે જમીનો ઉપર એક વાર દબાણ તોડાયા બાદ ફરી દબાણ ઉભા થયા હોય તેવા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવશે.
નોંધનીય છે કે જૂલાઇ મહિનામાં શહેરના જમાલપુર વિસ્તારમાં એએમસીનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકાની ટીમ અને અમદાવાદ પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી મેગા ડિમોલિશન કર્યુ હતું. અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ ખાતા દ્વારા એકસાથે ત્રણ બિનપરવાનગીના બાંધકામો સામે કડક કાર્યવાહી કરી કુલ 13,326 ચોરસફૂટ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા જમાલપુર વોર્ડમાં આવેલા વ્હોરવાડાની અંદર કાઝીના ઢાબા આસ્ટોડિયામાં રહેણાંક સ્કિમ પ્રકારનું ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોરનું આશરે 1420 ચો.ફૂ. બિનપરવાનગીનું પાકું બાંધકામ બાંધવા માટે એએમસી દ્વારા જીપીસીએમસી એક્ટ અંતર્ગત નોટિસ ફટકારી હતી. તેમજ ત્રણવાર બિન પરવાનગીનું બાંધકામ સીલ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતા બાંધકામ કામગીરી કરતા આખરે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.