Gujarat election result 2021 : ઉત્તર ગુજરાતની કઈ પાલિકા પર ભાજપે લહેરાવ્યો ભગવો ? જાણો વિગત
ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. ઉત્તર ગુજરાતની થરા પાલિકા પર પણ ભાજપે ભગવો લહેરાવી દીધો છે. 24માંથી 20 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. બીજી તરફ અહીં કોંગ્રેસ હજુ ખાતું પણ ખોલાવી શકી નથી.
અમદાવાદઃ ગુજરાતમાં ગત 3 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. ઉત્તર ગુજરાતની થરા પાલિકા પર પણ ભાજપે ભગવો લહેરાવી દીધો છે. 24માંથી 20 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. બીજી તરફ અહીં કોંગ્રેસ હજુ ખાતું પણ ખોલાવી શકી નથી.
જ્યારે સૌરાષ્ટ્રની ઓખા નગર પાલિકા પર પણ ભાજપે કબ્જો કરી લીધો છે. 36 બેઠકો વાળી પાલિકામાં 30 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે માત્ર 2 બેઠકો પર કોંગ્રેસ જીતી શકી છે. આ સિવાય જ્યારે ભાણવડ પાલિકામાં ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટમી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.
વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2010માં અસ્તિત્વમાં આવી હતી અને 2011ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીત્યો નહોતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી 2016માં યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શક્યો. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે.