ગુજરાતના આ શહેરમાં 32 દિવસમાં કોરોનાના કેસ 1024 ટકા વધ્યા, પાંચ દિવસથી રેકોર્ડબ્રેક કેસ નોંધાયા
છેલ્લા બે દિવસથી તો શહેરમાં કોરોનાના દૈનિક કેસનો આંક 500ને પાર પહોંચી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં પણ છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસો નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. બુધવારના અમદાવાદ શહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા 506 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં માત્ર 32 દિવસના ટૂંકાગાળામાં દૈનિક કેસ નોંધાવવાના ગ્રોથમાં સીધો 1024 ટકાનો વધારો થયો. 32 દિવસ પહેલા એટલે કે 20મી ફેબ્રુઆરીના અમદાવાદ શહેરમાં અત્યાર સુધીના સૌથી ઓછા માત્ર 45 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો થવા લાગ્યો છે.
છેલ્લા બે દિવસથી તો શહેરમાં કોરોનાના દૈનિક કેસનો આંક 500ને પાર પહોંચી રહ્યો છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 64 હજાર 222 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધીમાં 2 હજાર 284 દર્દીઓના કોરોનાથી અમદાવાદ શહેરમાં મૃત્યુ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 60 હજાર 504 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4466 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 506, સુરત કોર્પોરેશનમાં 480, વડોદરા કોર્પોરેશનમાં 145, રાજકોટ કોર્પોરેશનમાં 130, સુરતમાં 102, ભાવનગર કોર્પોરેશન 27, જામનગર કોર્પોરેશનમાં 22, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, વડોદરામાં 20, ખેડામાં 19, પાટણમાં 19, ગાંધીનગરમાં 18, મહેસાણામાં 17, નર્મદામાં 17, દાહોદમાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15, અમરેલીમાં 14, ભરુચમાં 13 અને જામનગરમાં 13 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,90,858 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ યાત્રીઓ માટે ગત 72 કલાકમાં RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. સાથે મહારાષ્ટ્રમાંથી આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે.
મંગળવારે રાજ્યમાં કોરોના 1730 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા.