ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Iscon Sanand Elevated Corridor: અમદાવાદ શહેરના એસજી હાઈવે પર સતત વધતી વાહનોની ભીડ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે તંત્ર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે

Iscon Sanand Elevated Corridor: આજે અમદાવાદના એસજી હાઈવે પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધીના 4.03 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી રોજ પસાર થતા દોઢથી બે લાખ વાહનચાલકોને ટ્રાફિક મુક્તિ મળી છે, જેથી ગાંધીનગર અને સૌરાષ્ટ્ર વચ્ચેનો પ્રવાસ વધુ સરળ બન્યો છે.
અમદાવાદ શહેરના એસજી હાઈવે પર સતત વધતી વાહનોની ભીડ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે તંત્ર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ એલિવેટેડ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની અનોખી 'ઊંધો ટી' (Inverted T) ડિઝાઇન છે, જે સિંગલ પિલર પર ઊભી કરવામાં આવી છે. આના કારણે બ્રિજની નીચે બંને બાજુનો રસ્તો એકદમ ખુલ્લો, પહોળો અને અવરોધમુક્ત રહે છે. આ કોરિડોર શરૂ થવાથી વાહનચાલકોને વાયએમસીએ (YMCA), પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જેવા વ્યસ્ત જંક્શનો પર સિગ્નલ કે ટ્રાફિકમાં ઊભા રહેવામાંથી મોટી મુક્તિ મળી છે.
આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં અંદાજે 1500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કુલ 27 જેટલાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની સાથોસાથ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા EWS આવાસ યોજના હેઠળ 11 અલગ-અલગ સ્થળોએ તૈયાર થયેલા 7,825 આવાસો માટેનો ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં રામાપીર ટેકરા વિસ્તારના 1,240 મકાનોનો પણ સમાવેશ થાય છે. આ આવાસ યોજનાઓ માટે અંદાજે 97 હજારથી વધુ નાગરિકોની અરજીઓ મળતા સામાન્ય પરિવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જોધપુર ખાતે 'નોલેજ હબ' અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરના ઉદ્ઘાટન સાથે આજના આ કાર્યક્રમોએ શહેરી માળખાકીય સુવિધાઓને નવું બળ પૂરું પાડ્યું છે.
આ મહત્ત્વપૂર્ણ એલિવેટેડ કોરિડોર અને વિવિધ આવાસ યોજનાઓના લોકાર્પણથી અમદાવાદના નાગરિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે. ભવિષ્યમાં આ વિકાસ કાર્યોથી શહેરી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ હજારો જરૂરિયાતમંદ પરિવારોને પાકા ઘરનું સ્વપ્ન સાકાર થવાથી સામાજિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે.
Before You Go
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ






















