મુખ્યમંત્રી બાદ ગુજરાત સરકારના કયા મંત્રી થયા કોરોના સંક્રમિત? જાણો વિગત
ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી ગુજરાત સરકારના એક મંત્રી પણ કોરોના સંક્રમિત થયા છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી ગુજરાત સરકારના એક મંત્રી પણ કોરોના સંક્રમિત થયા છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે.
તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે. તબિયત સારી છે.
નમસ્કાર,
— Purnesh Modi (@purneshmodi) June 29, 2022
મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે.તબિયત સારી છે.
આપ સૌનો આભાર...
પૂર્ણેશ મોદી,કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો છે. ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. ત્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પહિંદવિધિથી શરૂ થતી હોય છે. આ પહિંદવિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ થયા છે અને બે દિવસ પછી એટલે કે પહેલી જૂને રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ વખતે પહેલીવાર પરંપરા તૂટે તેવા સંજોગો ઊભા થયા છે. કારણ કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે, કોરોના થાય તે પછી એક અઠવાડિયા સુધી પોઝીટિવ વ્યક્તિએ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે.
નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ અને અન્ય કાર્યક્રમો રદ કરી દેતા તેમને કોરોના થયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. આ પછી તેઓ આજે રથયાત્રાની સમીક્ષા બેઠકમાં વર્ચ્યુઅલી જોડાતા આ અટકળો તેજ બની હતી. જોકે, હવે તેમને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચી ગયો છે. આજે વધુ નવા 529 કેસ નોંધાયા છે. આજે 408 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,218 રસીના ડોઝ અપાયા હતા.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા 529 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 220, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 53, રાજકોટ કોર્પોરેશન 12, ગાંધીનગર કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ જોઈએ તો, સુરતમાં 20, વલસાડમાં 20, કચ્છમાં 13, મહેસાણામાં 12, નવસારી 13, ભરુચમાં 10, ગાંધીનગરમાં 8, અમદાવાદમાં 6, વડોદરામાં 6, આણંદ અને પાટણમાં 5-5 કેસ, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ, અમરેલી, બનાસકાંઠા, દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, ખેડા અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.
408 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2914 થયાઃ
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 408 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,17,623 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2914 થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.