ODI World Cup Final: વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ODI World Cup Final: ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે
ODI World Cup Final: ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ રમાઈ રહી છે.
ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાઇનલ મેચ જોવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી શકે છે.
પ્રથમ સેમિફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડને હરાવ્યું છે તો બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. તેમાંથી વિજેતા ટીમે ભારત સાથે ફાઇનલ મેચ રમવી પડશે. આ ટોચની બે ટીમો વચ્ચેની ફાઇનલ મેચ બાદ જ વર્લ્ડ ચેમ્પિયનનો નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં રમાશે. બીસીસીઆઈએ ફાઈનલ મેચ માટે ટિકિટનું લાઈવ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ક્રિકેટ ચાહકો પાસે ક્રિકેટના મહાકુંભની શાનદાર મેચ જોવાની છેલ્લી તક છે.
અમદાવાદ સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકોની ક્ષમતા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ દર્શકોની છે. ફાઇનલ મેચ પહેલા આ મેદાન ભારત અને પાકિસ્તાનની શાનદાર મેચમાં દર્શકોથી ભરચક હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી હતી. વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મર કરવાની તૈયારીઓ માટે કલાકારો પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે. જે માટે આજે સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ બહાર પરર્ફોર્મ કરનાર કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. કલાકારોનું કહેવું છે કે ફાઇનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર બની રહેશે. કેમ કે અમદાવાદમાં ફાઇનલ રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં છે.
વર્લ્ડ કપ ની ફાઇનલ મેચમાં ભારતની ટીમ ક્વોલિફાય થતા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ બહાર ભારતીય ટીમના ટીશર્ટ અને કેપની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.