મોટો અકસ્માત ટળ્યો! કતાર એરવેઝની ફ્લાઇટને ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
ફ્લાઇટના લેન્ડિંગ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય પર હાજર રહી હતી.

Qatar Airways emergency landing: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એક મહત્ત્વપૂર્ણ ઘટના બની હતી. કતાર એરવેઝની એક ફ્લાઇટનું અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ તરફ જઈ રહી હતી, પરંતુ ઉડાન દરમિયાન તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે તેને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બપોરે આશરે 2:30 વાગ્યે આ વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર અને સુરક્ષા વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફ્લાઇટના લેન્ડિંગ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય પર હાજર રહી હતી. સદભાગ્યે, લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું હતું.
હાલમાં, કતાર એરવેઝની ટેકનિકલ ટીમ દ્વારા ફ્લાઇટમાં સર્જાયેલી ખામીની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. એકવાર આ ટેકનિકલ ખામી દૂર થઈ જાય અને ફ્લાઇટ ટેક-ઓફ માટે સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર થાય, ત્યારબાદ જ તે હોંગકોંગ માટે તેની આગળની સફર ફરી શરૂ કરશે.





















