Gujarat Assembly Elections: ગુજરાતમાં હજારોની સંખ્યામાં બોગસ મતદારો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાની આગેવાની હેઠળ આજે કોંગ્રેસ પક્ષનું ડેલીગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળવા ગયું હતું. જેમાં કોંગ્રેસ પક્ષે ચૂંટણીપંચના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.
Gujarat Assembly Elections: કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાની આગેવાની હેઠળ આજે કોંગ્રેસ પક્ષનું ડેલીગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળવા ગયું હતું. જેમાં કોંગ્રેસ પક્ષે ચૂંટણીપંચના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, રાજ્યમાં મતદાર સુધારા કાર્યકમ શરૂ થવા જઈ રહ્યો છે જો કે આ મતદાર સુધારા કાર્યકમમાં ચૂંટણી અધિકારી ઈમાનદારીથી કામ કરે તેવી માંગ કરી છે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષે વધુમાં જણાવ્યું છે કે મતદાર સુધારા કાર્યકમ કરવા છતાંય મતદાન કરતી વખતે ઘણા બધાના નામ કમી થઈ ગયેલા હોવાનું જાણવા મળે છે તો કેટલીક જગ્યાએ ડુપ્લિકેટ મતદાર પણ સામે આવે છે જેથી આ વખતે ચુંટણીપંચ ચોક્કસાઈથી કામ કરે.
બોગસ મતદાર કાર્ડ બનાવી દેવામાં આવી રહ્યા છે
રાજ્યમાં આગામી બે માસમાં વિધાનસભા ચુંટણી યોજવનારી છે ત્યારે ચૂંટણીપંચ દ્રારા અત્યારથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવારથી સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારા કાર્યકમ શરૂ થવાનો છે. જો કે કાર્યકમ શરૂ થયા તે પહેલાં કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા ડૉ. સીજે ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના કેટલાક સિનિયર નેતાઓ મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા માટે ગયા હતા જ્યાં આગળ કોંગ્રેસ પક્ષે ચૂંટણી આયોગને આવેદનપત્ર આપી માગ કરી કે મતદાર યાદી સુધારા કાર્યકમમાં કોઈપણ પ્રકારની ક્ષતિ રહેવી ન જોઈએ. ભૂતકાળમાં પણ ચૂંટણીપંચે મતદાર યાદી સુધારા કાર્યક્રમ કર્યો હતો. જેમાં ઘણા બધાના નામ કમી થઈ ગયા હતા તો કેટલીક જગ્યાએ બોગસ મતદાર કાર્ડ બનાવી દેવામાં આવી રહ્યા છે આ પ્રકારની ઘટના પુન: ન બને તેનું ચુંટણી આયોગ ધ્યાન રાખે.
8 થી 10 હજાર ડુપ્લિકેટ મતદારો
આ ઉપરાંત સીજે ચાવડાએ ચૂંટણીપંચ સમક્ષ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, 12 ઓગષ્ટના રોજ જાહેર કરાયેલી મતદાર યાદીમાં ઘણી બધી ભૂલો સામે આવી છે તેવી ભૂલોનું હવે પુનરાવર્તન ન થવું જોઈએ. કેટલીક વખતે એવી ફરિયાદ સામે આવે છે કે જેમાં એક વ્યક્તિ વધુ જગ્યાએ મતદાન કરતો જોવા મળે છે. આ ઉપરાંત મતદાર સુધારા કાર્યકમ દરમિયાન બોગસ મતદાર જોવા મળે છે. જો કે સી જે ચાવડાએ ભૂતકાળને વાગોળતા જણાવ્યું હતું કે આગઉ મહેસાણા વિભાગમાં 6679 ડુપ્લિકેટ મતદારો જોવા મળ્યા હતા. આ સિવાય રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ઉત્તરમાં 8 થી 10 હજાર ડુપ્લિકેટ મતદારો છે તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત એક જ સોસાયટી એક જ ઘર અને એક કુટુંબમાં ડુપ્લીકેટ મતદારો સામે આવ્યા છે. જેથી આ કામગીરી કરતા ચૂંટણીના અધિકારી સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી.
આ ઉપરાંત સીજે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, જે મતદારોનું મરણ થાય છે તેમનું નામ કમી હોવું જોઈએ તેમનું નામ કમી નહિ હોવાના કારણે તેમના બદલે અન્ય મતદાર મત નાખી દે છે ,ભૂતકાળમાં જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી થઈ હતી તે વખતે કોંગ્રેસ પક્ષે 20 જેટલી બેઠકો 1 હજાર જેટલા નજીવા મતોથી હારી હતી. જેથી આ ભૂલનું પુનરાવર્તન ન થાય તેવી ચૂંટણીપંચ સમક્ષ આશા રાખવામાં આવે છે અને જો ચૂંટણીપંચ યોગ્ય રીતે કામ નહીં કરે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટેનો દરવાજો ખખડાવીને ફરિયાદ કરશે.