DA Hike: આ તારીખ પહેલા કર્મચારીઓને મળી શકે છે ભેટ, પગારમાં થશે મોટો ફાયદો!
DA Hike: આગામી સપ્તાહ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ બની શકે છે.
DA Hike: આગામી સપ્તાહ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 ઓગસ્ટ, 2025 સુધીમાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા (DA) માં વધારો જાહેર કરી શકે છે. આ સાથે સાતમા પગાર પંચ હેઠળ આપવામાં આવેલા છેલ્લા હપ્તા પછી આઠમા પગાર પંચની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવાની વાત કરવામાં આવી રહી છે.
વાસ્તવમાં સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, અને આ સાથે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની આઠમા પગાર પંચ અંગે અપેક્ષાઓ વધી ગઈ છે. કુલ 50 લાખથી વધુ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરો વધુ સારા પગાર માળખાની અપેક્ષા રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2024માં આઠમા પગાર પંચની જાહેરાત કરી હોવા છતાં આયોગના અધ્યક્ષની નિમણૂક હજુ સુધી થઈ નથી. આ કારણે તેની રચના અને અમલીકરણમાં વિલંબ થવાની સંભાવના છે.
DA માં વધારો પગારમાં વધારો કરશે
સરકારી પગાર ફક્ત બેસિક સેલેરી પર આધારિત નથી. મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), મુસાફરી ભથ્થું (TA) જેવા ઘણા અન્ય લાભોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભથ્થાંનો હિસ્સો વધ્યો છે અને હવે કુલ પગારમાં તેમનો હિસ્સો 50 ટકા સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં DAમાં વધારો પગાર પર સીધી અસર કરે છે.
મોંઘવારી ભથ્થાની સમીક્ષા દર છ મહિને કરવામાં આવે છે, જે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI પર આધારિત છે. અત્યાર સુધી જૂલાઈ 2025ના DA સમીક્ષા પર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર, સ્વતંત્રતા દિવસ પહેલા આ અંગે મોટી જાહેરાત કરી શકાય છે.
છઠ્ઠા પગાર પંચમાં મોટો વધારો થયો હતો
પગાર વધારો નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ છે. સાતમા પગાર પંચે તેને 2.57 નક્કી કર્યું હતું. નવા રિપોર્ટ્સ અનુસાર, આઠમા પગાર પંચ હેઠળ આ આંકડો 1.83 થી 2.46ની વચ્ચે હોઈ શકે છે. જો 2.46 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય છે તો 18,000 રૂપિયાના મૂળ પગાર ધરાવતા કર્મચારીનો પગાર સીધો 44,280 રૂપિયા સુધી વધી શકે છે.
અગાઉના પગાર પંચોની તુલના કરીએ તો સાતમા પગાર પંચે ફક્ત 14.3 ટકાના બેસિક સેલેરી વધારાની ભલામણ કરી હતી, જે છેલ્લા ઘણા દાયકાઓમાં સૌથી નીચો છે. છઠ્ઠા પગાર પંચે 54 ટકાનો મોટો વધારો આપ્યો હતો. જોકે, સમયાંતરે ભથ્થાઓમાં સુધારાને કારણે કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ કુલ 23 ટકા સુધીનો પગાર વધારો મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે બધાની નજર કેન્દ્ર સરકાર પર છે. જો 15 ઓગસ્ટ સુધીમાં DAમાં વધારો જાહેર કરવામાં આવે અને આઠમા પગાર પંચની પ્રક્રિયા પણ આગળ વધે તો તે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત હશે.





















