HDFC અને ICICI બેન્કે વધાર્યા ચાર્જ, ક્રેડિટ કાર્ડ અને બેન્કિંગ સેવાઓ પર થશે અસર
HDFC & ICICI New Banking Charges: જો તમે HDFC કે ICICI બેન્કના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

HDFC & ICICI New Banking Charges: જો તમે HDFC કે ICICI બેન્કના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 જૂલાઈ, 2025થી આ બંને મોટી ખાનગી બેન્કોએ તેમના ઘણા ક્રેડિટ કાર્ડ અને બેન્કિંગ સેવાઓ પર ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. ગ્રાહકોને આ ફેરફાર વિશે ઇમેઇલ અને SMS દ્વારા જાણ કરવામાં આવી રહી છે. HDFC બેન્કે ખાસ કરીને ઓનલાઈન ગેમિંગ, ડિજિટલ વોલેટ લોડિંગ અને યુટિલિટી બિલ ચુકવણી માટે નવા ચાર્જ લાગુ કર્યા છે.
જો કોઈ ગ્રાહક કોઈપણ મહિનામાં Dream11, MPL, RummyCulture જેવા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરે છે તો તે સમગ્ર રકમ પર 1 ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. આ ચાર્જ દર મહિને મહત્તમ 4,999 રૂપિયા સુધી મર્યાદિત રહેશે.
હવે તમને રિવોર્ડ પોઈન્ટ પણ નહીં મળે!
આટલું જ નહીં, આ કેટેગરીમાં કરવામાં આવેલા ખર્ચ પર કોઈ રિવોર્ડ પોઈન્ટ પણ નહીં મળે. તેવી જ રીતે જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેટીએમ, મોબીક્વિક, ફ્રીચાર્જ અથવા ઓલા મની જેવા થર્ડ પાર્ટી વોલેટમાં 10,000 રૂપિયાથી વધુ રકમ લોડ કરે છે તો તેના પર પણ 1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.
નવી સિસ્ટમ હવે યુટિલિટી બિલ માટે પણ લાગુ પડશે. જો કોઈ ગ્રાહક મહિનામાં 50,000 રૂપિયાથી વધુની યુટિલિટી ચુકવણી કરે છે, તો 1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે. જોકે, વીમા ચુકવણીઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે.
રેન્ટ, ફ્યુઅલ અને શિક્ષણમાં પેમેન્ટમાં પણ ફેરફાર
રેન્ટ પેમેન્ટ પર અગાઉની જેમ એક ટકા ચાર્જ લાગુ રહેશે પરંતુ હવે તેની મર્યાદા પ્રતિ ટ્રાન્જેક્શન 4,999 રૂપિયા કરવામાં આવી છે.
જો ફ્યુઅલ ટ્રાન્જેક્શન 15,000 રૂપિયાથી વધુ હોય તો 1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.
જો શિક્ષણ ફી શાળા કે કોલેજની સત્તાવાર વેબસાઇટ અથવા કાર્ડ મશીનથી ચૂકવવામાં આવે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
આઈસીઆઈસીઆઈ બેન્કના નવા નિયમો
આઈસીઆઈસીઆઈ બેન્કે તેના બેંન્કિંગ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. હવે, રોકડ ડિપોઝિટ, ચેક ડિપોઝિટ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર ટ્રાન્જેક્શન પર પ્રતિ 1,000 રૂપિયા પર 2 રૂપિયા ચાર્જ લાગશે. ઓછામાં ઓછા 50 અને મહત્તમ 15,000 રૂપિયા ચાર્જ લાગશે. અગાઉ 10,000 રૂપિયા સુધી 50 રૂપિયા ચાર્જ લાગતો હતો.
ATM ટ્રાન્જેક્શન પણ હવે મોંઘા થશે
અન્ય બેન્કોના ATM પર 3 મફત ટ્રાન્જેક્શન પછી હવે 23 રૂપિયા (અગાઉ ₹21) ચાર્જ લાગશે.
હવે બિન-નાણાકીય ટ્રાન્જેક્શન પર 8.5 રૂપિયા ચાર્જ લાગશે.
ICICI ના પોતાના ATM પર 5 મફત ટ્રાન્જેક્શન પછી 23 રૂપિયા ચૂકવવા પડશે.
ડેબિટ કાર્ડ માટે વાર્ષિક ફી પણ 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. હવે રિપ્લેસમેન્ટ કાર્ડ માટે પણ 300 રૂપિયા ચૂકવવા પડશે.





















