(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે પણ ઘટાડા સાથે બંધ રહ્યું માર્કેટ, મિડ કેપ શેરમાં તેજી
Closing Bell: સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો.
Stock Market Closing, 28th July 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. ગુરુવારે પણ સેન્સેક્સમાં 440 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આજે ઘટાડા બાદ બીએસઈ માર્કેટ કેપ 304.10 લાખ કરોડ થયું છે. જે ગઈકાલના કારોબારી દિવસના અંતે 303.59 લાખ કરોડ રૂપિયા હતું.
આજે માર્કેટમાં કેમ ઘટાડો જોવા મળ્યો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 106.62 પોઇન્ટના ઘટાડા સાથે 66,160.20 પોઇન્ટ અને નિફ્ટી 13.85 પોઇન્ટ ઘટીને 19,646.05 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી 211.20 પોઇન્ટના ઘટાડા સાથે 45,468.10 પોઇન્ટ પર બંધ રહી. છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફરીથી પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ અને આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં આ ઘટાડો જોવા મળ્યો છે. જો કે મિડ કેપ અને એફએમસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી.
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી સેક્ટરના શેરો વધીને બંધ થયા હતા. જ્યારે ફાર્મા, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્જ્યુર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેર વધીને અને 21 ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટીના વધનારા-ઘટનારા શેર્સ
આજે 1174 શેર વધ્યા, 1641 શેર ઘટ્યા અને 163 શેર ઘટ્યા હતા. બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, બીપીસીએલ, ટાટા મોટર્સ અને એચસીએલ ટેકનોલોજી આજે નિફ્ટીના ટોચના ઘટનારા શેર્સ હતા, જ્યારે એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પોરેશન, અપોલો હોસ્પિટલ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોચના વધનારા શેર્સ હતા. પાવર અને રિયલ્ટી સેક્ટર 2 ટકા વધ્યા, જ્યારે મેટલ, કેપિટલ ગુડ્સ અને હેલ્થકેર સેક્ટરના શેર 0.4 ટકા સુધી વધ્યા હતા. જ્યારે બેંકિંગ, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યા હતા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં ઘટાડો થયો હોવા છતાં રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 304.10 લાખ કરોડ થયું છે. જે ગુરુવારના સત્રમાં રૂ. 303.59 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 51000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સેન્સેક્સ 136.55 પોઈન્ટ ઘટીને 66,130.27 પર અને નિફ્ટી 35.10 પોઈન્ટ ઘટીને 19,624.80 પર ખુલ્યા હતા.