ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસની નીતિ અને કામગીરીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- ગાંધીનગરમાં કોંગ્રેસે પોલીસ નીતિ-કામગીરી વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો.
- પોલીસ વિપક્ષી નેતાઓને ખોટી રીતે નિશાન બનાવે છે: કોંગ્રેસ.
- ચાવડાએ પોલીસ પર પક્ષપાત, ધમકીભરી કામગીરીનો આરોપ લગાવ્યો.
ગાંધીનગર: ગાંધીનગરમાં પોલીસની નીતિ અને કામગીરીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પોલીસ વિપક્ષના નેતાઓ અને કાર્યકરોને ખોટી રીતે ટાર્ગેટ કરી રહી છે અને તેમને દબાવવા માટે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે. કોંગ્રેસે પોલીસની કથિત હેરાનગતિ બંધ કરવાની માગ સાથે પોલીસ ભવનથી ડીજીપી કચેરી સુધી કૂચનું આયોજન કર્યું હતું.
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને ખોટી રીતે ટાર્ગેટ કરવાનો આક્ષેપ
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવે છે. વિપક્ષને દબાવવા માટે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે અને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગવામાં આવે ત્યારે મંજૂરી આપવામાં આવતી નથી. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા રસ્તાઓ રોકીને કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવે છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ડીજીપી કચેરી તરફ જતા માર્ગ પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અમિત ચાવડાએ પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પોલીસની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ કરદાતાઓના પૈસામાંથી પગાર મેળવે છે, પરંતુ કાયદાને નેવે મૂકીને એજન્ટની જેમ કામ કરી રહી છે. પોલીસ ખોટી એફઆઈઆર દાખલ કરે છે અને ધાકધમકી આપે છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બધું મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપવાનો આક્ષેપ
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી. ગાંધીનગરની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ઉઠાવી જવામાં આવ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાચી ફરિયાદ નોંધાવવા જાય ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી જ્યારે વિરોધ પ્રદર્શનની મંજૂરી માગવામાં આવે ત્યારે પણ મંજૂરી આપવામાં આવતી નથી.
ભાજપ અને કોંગ્રેસ માટે અલગ માપદંડ હોવાનો દાવો
અમિત ચાવડાએ ભાજપ અને કોંગ્રેસ માટે પોલીસ દ્વારા અલગ-અલગ માપદંડ અપનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને વિરોધ પ્રદર્શન કરે ત્યારે ડીજે સાથે મંજૂરી આપવામાં આવે છે. ભાજપના નેતાઓ પોલીસની હાજરીમાં પૂતળાદહન કરે ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે કોંગ્રેસ આવું કરે ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સામેની કથિત હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Before You Go
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
ટોપ સ્ટોરી






















