ખેડબ્રહ્માની વિદ્યા સંસ્થામાં 13 બાળકોને અપાયા ડામ, વાલીઓએ કલેક્ટરને કરી રજૂઆત
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતેની વિદ્યા સંસ્થામાં 13 બાળકોને ડામ આપવાની ઘટના બની હતી
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતેની નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 બાળકોને ડામ આપવાની ઘટના બની હતી. ખેડબ્રહ્માની નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 બાળકોને ડામ આપી તાલિબાની સજા આપવામાં આવી હતી. આ મામલે વાલીઓની લેખિતમાં રજૂઆત કરી છતાં કાર્યવાહી ન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે વાલીઓએ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને લેખિત રજૂઆત કરાઇ હતી. અંદાજીત 60 બાળકો પર અત્યાચાર કરાયો હોવાની લેખિત અરજી કરાઇ હતી.
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ એક છાત્રાલયમાં બાળકોને તાલીબાની સજા આપવામાં આવી છે. ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યા સંસ્થા ખાતે 13 જેટલા બાળકોને તાલિબાની સજા આપવામાં આવી હોવાની વાલી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર ઘટના ત્રણ મહિના અગાઉ બની હતી.ઘટના બન્યા બાદ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ના થતા જિલ્લા કલેકટર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે. રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.
બીજી તરફ સંસ્થામાં હાજર રહેલા કર્મચારી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે સંસ્થામાં કોઈ હાજર નહોતું તે સમયે બાળકો દ્વારા અંદરો અંદર આ કાર્ય કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે અગાઉ સુરતમાં જૂનિયર કેજીની વિદ્યાર્થિનીને શિક્ષીકા દ્વારા માર મારવાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાના વધતા જતા બનાવોને પગલે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ મામલે પત્ર લખ્યો છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, રાઇટ ટુ એજ્યુકેશનના નિયમો મુજબ કામ કરવા સુચના આપવામાં આવી છે. RTEની જોગવાઇ મુજબ શાળામાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જે કોઇ તેનું ઉલ્લંઘન કરે તેની સામે શિસ્ત ભંગના પગલા લેવાશે. એટલું જ નહિ શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે. અધિનિયમની જોગવાઇ મુજબ આવા પ્રથમ કિસ્સામાં 10 હજાર અને ત્યાર પછીના દરેક કિસ્સા દિઠ 25 હજારનો દંડ ફટકારવામાં આવશે. દંડ નહિ ભરનાર અને વારંવાર આ નિયમનો ઉલ્લંઘન કરના સંસ્થાની માન્યતા રદ થઇ શકે છે.
નોંધનીય છે કે સુરતની સાધના નિકેતન શાળાની શિક્ષિકાએ ક્રૂરતાની હદ વટાવી દેતા જૂનિયર કેજીની માસૂમને એક નહિ બે નહિ 35 થપ્પડ મારીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ઘટના બાદ પોલીસ ફરિયાદ થતાં આખરે પોલીસે તેની ધરપકડ કરી હતી.
શિક્ષિકાની ક્રૂરતાને પગલે પીડિત વાલી સહિતના અન્ય વાલીઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. જે બાદ ક્લાસરૂમના સીસીટીવી ચેક કરાતા શિક્ષિકાની ક્રૂરતા છતી થઇ હતી. આ મામલે વાલીએ કાપોદ્રા પોલીસમાં શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાં આવી હતી તેમજ તેમનું રાજીનામું પણ માંગી લેવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસે શિક્ષિકાનો શોધી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.