રાજ્યમાં UCC લાગુ કરવાનું કાઉન્ટડાઉન શરુ, દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ મહત્વની બેઠક
Uniform Civil Code: રાજ્ય માટે પ્રસ્તાવિત UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

Uniform Civil Code: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી.
રાજ્ય માટે પ્રસ્તાવિત UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં ચર્ચા દરમિયાન, સમિતિએ વિવિધ હિતધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી. આનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સામાજિક સુમેળને સુનિશ્ચિત કરતું પ્રગતિશીલ અને સશક્ત કાનૂની માળખું વિકસાવવાનો છે.
સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે, ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા, ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગું થઈ ચૂક્યો છે
તમને જણાવી દઈએ કે,યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરનારુ રાજ્ય ઉત્તરાખંડી છે અહીં નવા વર્ષમાં તેને લાગું કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડની સૂચના જારી કર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કાયદા માટે રાજ્ય સરકારના અધિકારીઓએ દિવસ-રાત મહેનત કરી છે. બધાએ સંકલનથી કામ કર્યું. મુખ્ય સેવક સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં સીએમ ધામીએ કહ્યું કે આજનો દિવસ માત્ર આપણા રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. સમાનતા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલ યુસીસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડે આજે ઈતિહાસ રચ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે.
આ પણ વાંચો...





















