જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
મહાશિવરાત્રીના મેળાની તૈયારીને લઈને જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક મળી હતી. જેમાં સાધુ સંતો અને વહીવટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભવનાથ તળેટીમાં 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે. જ્યારે જૂનાગઢમાં 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિના મેળાની શરૂઆત થશે. મેળાની તૈયારીને લઈને જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક મળી હતી. જેમાં સાધુ સંતો અને વહીવટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રીના મેળા દરમિયાન ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે જરૂરિયાત મુજબના રસ્તાઓને એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.
જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રી મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ છે. બેઠકમાં કલેક્ટરે કહ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે. ભવનાથમાં રોડ રસ્તા સહીતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. મેળા દરમિયાન બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. દૂધ અને છાશ સહીત જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાઈ તેની કાળજી પણ રખાશે.
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસનો કડક બંદોબસ્ત રહેશે. મેળાની સુરક્ષા માટે કુલ 1200 પોલીસ જવાનો ફરજ નિભાવશે. જેમાં 12 ડિવાયએસપી, 22 પીઆઇ, 123 પીએસઆઇ, એસઆરપીની બે ટીમ, 1029 પોલીસ અને જીઆરડી જવાનો ફરજ બજાવશે. તે સિવાય 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં અને 51 કેમેરાથી ભવનાથમાં સતત નજર રખાશે. મેળામાં કોઈ આગની ઘટના ન બને તે માટે 3 ફાયર સ્ટેશન ઊભા કરવામાં આવશે. મનપા ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
જિલ્લા કલેક્ટરે મહાશિવરાત્રિના મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અપીલ કરી હતી. કલેક્ટરના જણાવ્યા અનુસાર, મેળાને લઈને રસ્તાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. દર્શનાર્થીઓના આરોગ્યને ધ્યાને રાખી બુલેટ એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરાશે. મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે એક હજાર પોલીસ જવાનો અને તરવૈયાઓ ખડેપગે રહેશે. આ તરફ, સોમનાથમાં પણ શિવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટરે સોમનાથ મંદિરમાં શિવરાત્રિ મહોત્સવની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
