Accident: સંતરામપુરમાં ST બસની ટક્કરથી પતિ-પત્નીનું મોત, ડ્રાઇવર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
Accident:સંતરામપુર બાયપાસ રોડ ઉપર સર્જાયેલ અકસ્માત બાબતે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
Accident: મહીસાગરના સંતરામપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર મહીસાગરના સંતરામપુરમાં એસ.ટી બસે અડફેટે લેતા બે લોકોના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
એસટી બસે મોપેડ અને તુફાન ગાડીને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સંતરામપુર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સંતરામપુર બાયપાસ રોડ ઉપર સર્જાયેલ અકસ્માત બાબતે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બસ ચાલકે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જ્યો હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ બંને પતિ પત્નીનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બસ ચાલક વિરુદ્ધ મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી.
સુરતમાં હિટ એન્ડ રનમાં એકનું મોત
સુરતના મોટા વરાછા હિટ એન્ડ રનમાં ઉત્રાણ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. રામચોક નજીક હિટ એન્ડ રનમાં નમ્રતા કોટડીયાનું મોત થયું હતું. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મોટા વરાછા સ્થિત રામચોક નજીક ટ્રકે મોપેડને ટક્કર મારી હતી જેમાં 22 વર્ષીય નમ્રતા કોટડીયા અને તેની પિતરાઈ બહેનને ઇજાઓ પહોંચી હતી. જેમાં નમ્રતાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ઉત્રાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
અમદાવાદ કેશવબાદ ચાર રસ્તા પર એક ભયંકર રોડ દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવમાં જતી યુવતીને ટક્કર મારતા યુવતી 50 મીટર ઢસડાઇ હતી. સારવાર દરમિયાન આજે યુવતીનું મોત થયું છે.
નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ રફતારનો ભોગ બની.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓવર સ્પીડમાં જતી કારે એક્ટિવા પર જતી આ યુવતીને એવી જોરદાર ટક્કર મારી કે તે યુવતી 50 મીટર સુધી રોડ પર ફંગોળાતી રહી. અકસ્માતની ઘટના સીસીસીટી પણ સામે આવ્યા છે. ફિઝિયોથેરાપિસ્ટ વિશ્વાને પાંસળી અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવતી અકસ્માત પછી કોમામાં સરી ગઇ હતી અને આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર હતાં. તે કાર નીચે હતી ત્યારે હાર્ટ-એટેક પણ આવ્યો હતો.