રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનોનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.
ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનોનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે ભારત સરકારે ગુજરાતને માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે.
છેલ્લા એક વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતર મળીને કુલ ૫૯.૮૨ લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે ગુજરાતને માંગણી કરતા વધુ આશરે ૬૨.૬૦ લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીએ પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં ન આવે તે માટે રાસાયણિક ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉથી જ ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજીયાત ન આપવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યમાં ક્યાંય આવી ઘટના ધ્યાને આવશે, તો રાજ્ય સરકાર વિક્રેતા અને કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાંઓ લેશે.
મંત્રી રાધવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે ગુજકો માસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ જેવી ૧૭ જેટલી રાજ્ય સરકાર માન્ય મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ, ૮૫૦થી વધુ હોલસેલર વિક્રેતા તથા અન્ય મળીને કુલ ૯૦૦૦થી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 55 હજાર કરતા વધુ આવાસો બન્યા
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો બનાવવામાં આવ્યા હોવાની જાણકારી સરકારે આપી હતી. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને "હાઉસિંગ ફોર ઓલ" હેઠળ આવાસો આપવાનો સરકારનો નિર્ધાર છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ૧૯૫૨ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે.
રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિ પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને ઘરની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧,૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.