કોંગ્રેસમાં કાળા જાદુનો મામલોઃ તાંત્રિક હામિદાબેનના ઘરે તાળા, વિજ્ઞાન જાથા પહોંચ્યું ધોરાજી
અમદાવાદ કોંગ્રેસમાં કાળા જાદુનો મામલે હવે વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું છે. કાળા જાદુની કથિત સોપારી લેનાર હામીદાબેન ગમે ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થાય એવી શક્યતા છે.
રાજકોટ: અમદાવાદ કોંગ્રેસમાં કાળા જાદુનો મામલે હવે વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું છે. કાળા જાદુની કથિત સોપારી લેનાર હામીદાબેન ગમે ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થાય એવી શક્યતા છે. વિજ્ઞાન જાથા અને પોલીસ દ્વારા હામીદાબેનના પરિવારજનોને સમજાવ્યા. પોલીસમાં હાજર થવા વિજ્ઞાન જાથા દ્વારા પરિવારજનોને સમજાવ્યા. આજે બપોરે એબીપી અસ્મિતા તાંત્રિક હામિદાબેનના ઘરે પહોંચ્યું ત્યારે તેમના ઘરે તાળા જોવા મળ્યા હતા. તેમજ આસપાસના લોકોએ પણ તેમના વિશે કોઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું.
પોતાના જ પક્ષના બે નેતાઓ પર તાંત્રિકવિધિ કરી ખતમ કરવા માટે સોપારી આપતો વાયરલ થયેલો કોર્પોરેટર જમનાબેન વેગડાનો જ હોવાનો દાવો ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે, આવા લોકોને કોંગ્રેસ પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. પરમારે વધુમાં જણાવ્યું કે, મારા રાજકીય જીવનમાં પહેલી વખત આવી ઘટના બની છે. પોતાના જ નેતાઓને ખતમ કરવા માટે કોઈ કાળા જાદુનો સહારો લે છે. સત્તાની લાલચમાં કોઈ આવી હિન પ્રયાસ કરે તે પહેલી વખત જોયું. જમનાબેન વેગડાને મે જ ટીકીટ અપાવી અને મે જ જીતાડ્યા. હું મારા પરમુખ અને પક્ષને વિનંતી કરું છું કે, જમનાબેનને પક્ષમાંથી કાઢી મૂકે. મારી હત્યા કરવા માટે તાંત્રિકને સોપારી આપી છે. ઓડીઓમાં જે આવા જ છે તે જમનાબેન વેગડાનો જ છે. હું જમનાબેન વેગડા સામે કાયદાકીય પગલાં પણ લઈશ.મારી હત્યાનું કાવતરું છે એટલે હું કાયદાકીય લડત પણ લડીશ.
તાંત્રીક વિધિથી નેતાઓને ખતમ કરવાની બાબત અંગે MLA ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. જે તાંત્રિકવિધિ કરવાની વાત કરે છે તેની સામે ફરિયાદ થવી જોઈએ. જમનાબેન સામે કોંગ્રેસ પ્રમુખે પગલાં ભરવા જોઇએ. સત્તા ભગવાન અને ઇશ્વર સિવાય કોઈ આપી શકે નહિ. એક રાજકીય વ્યક્તિને તાંત્રિકવિધિની વાત સરી નથી લાગતી. ઓડિયોમાં જે અવાજ છે તે જમનાબેનનો હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. જમનાબેનને તાંત્રિકવિધિ કરનાર પાસે કોણ લઈ ગયું તેની પણ તપાસ થવી જોઈએ.
આ બાબતની કોંગ્રેસે ગંભીર નોંધ લેતા સમગ્ર મામલાની તપાસ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રભારી સી જે ચાવડાને સોંપી છે. આ બાબતે સી જે ચાવડાએ જણાવ્યું કે, મારા 25 વર્ષના રાજકારણમાં પહેલી વખત આવી તાંત્રીક વિધિની વાત સામે આવી. શેહઝાદ ખાન પઠાણને વિપક્ષીનેતા બનાવ્યા બાદ કેટલાક લોકો નારાજ હતા. જે લોકો નારાજ હતા તેમાં જમનાબેન પણ હતા. જમનાબેનની લાગણીનો કોઈ વચેટિયાઓ લાભ લેતા હોય તેવું લાગે છે. પ્રદેશ પ્રમુખે તપાસ કરવાની જવાબદારી પ્રભારી તરીકે મને આપી છે. ઓડિયો જમનાબેનનો હશે તો આ સમગ્ર કેસ શિસ્ત સમિતિને સોંપવામાં આવશે. હાલ હું અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ તપાસ કરી રહ્યા છીએ. તમામ કોર્પોરેટરની એક કે બે દિવસમાં મિટિંગ થશે. હાલ અમે શૈલેષ પરમાર, શેહઝાદ ખાન પઠાણ અને જમનાબેન સાથે વાત કરીને તપાસ કરી રહ્યા છીએ. તપાસના અંતે શું પગલાં લેવા તે નક્કી કરવામાં આવશે.