Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
અમરેલી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

- અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો.
- બાબરા, બગસરા પંથકમાં પણ વરસાદ, ખેડૂતોમાં ખુશી વ્યાપી.
- ચોમાસુ વાવેતર કરનાર ખેડૂતોને લાભ, ગરમીથી રાહત મળી.
અમરેલી: અમરેલી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમરેલી બાદ બાબરા તથા બગસરા પંથકમાં પણ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. બગસરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા ચોમાસુ વાવેતર કરી રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
એક સપ્તાહના વિરામ બાદ અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામાં લગભગ એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ પછી મેઘમહેર થતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદના આગમનથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી ચોમાસુ માહોલ જામ્યો છે. અમરેલી શહેરમાં વરસાદના કારણે કેટલાક રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રીથી એક તરફ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ વરસાદી પાણીના કારણે કેટલાક વિસ્તારોમાં અવરજવરને અસર થઈ છે.
બાબરા અને બગસરા પંથકમાં પણ વરસાદ
અમરેલી બાદ બાબરા પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. બાબરાના લુણકી અને ઇંગોરાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને રાહત મળી છે. બગસરા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. બગસરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટાં વરસ્યાં છે. હડાળા, વાઘણીયા, પીપરીયા અને જેઠિયાવદર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો- Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ખેડૂતોમાં ખુશીનો માહોલ
ધીમીધારે વરસાદ વરસતા ચોમાસુ વાવેતર કરી રહેલા ખેડૂતોને ફાયદો થવાની આશા છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેતીના પાકને પાણી મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી, બાબરા અને બગસરા પંથકમાં વરસાદના આગમનથી જિલ્લામાં ફરી ચોમાસુ માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં વરસાદી સ્થિતિ કેવી રહે છે તેના પર ખેડૂતો સહિત સૌની નજર રહેશે.
11 ઓગસ્ટે આ વિસ્તારોમાં ભારે વરસાદ
11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે.
આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની સંભાવના
ગુજરાત પર લો પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.





















