બળાત્કારના દોષિત આસારામને રાહત, ગુજરાત હાઈકોર્ટે ૩ મહિનાના જામીન મંજૂર કર્યા
તબીબી કારણોસર કોર્ટે અરજી મંજૂર કરી, ૮૬ વર્ષની ઉંમર અને સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાને લેવાઈ.

Asaram medical bail: ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામને મોટી રાહત આપતા તબીબી આધાર પર ત્રણ મહિના માટે જામીન મંજૂર કર્યા છે. કેસની સુનાવણી બાદ આસારામની જામીન અરજીને જસ્ટિસ ઈલેશ વોરાના અભિપ્રાયને જસ્ટિસ એએસ સુપેહિયાએ સમર્થન આપતા મંજૂરી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે બળાત્કારના કેસમાં દોષિત ઠરેલો આસારામ હાલમાં ગુજરાત અને જોધપુરમાં પોતાની સજા ભોગવી રહ્યો છે. અગાઉ તે વચગાળાના જામીન પર બહાર હતો અને તાજેતરમાં જ તેણે ૬ મહિનાના કાયમી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરીને હાઈકોર્ટે ગુરુવારે (૨૭ માર્ચ) પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જે આજે જાહેર કરવામાં આવ્યો છે.
જામીન માટેની માંગણી દરમિયાન આસારામે પોતાનો તબીબી અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં તેણે પોતાની ૮૬ વર્ષની ઉંમર અને આ ઉંમરે મોટી સર્જરી સહન કરવાની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે આ બાબતોને ધ્યાનમાં રાખીને તેને ત્રણ મહિનાના જામીન આપ્યા છે.
આ પહેલા જાન્યુઆરી ૨૦૨૫માં પણ સુપ્રીમ કોર્ટે આસારામને તબીબી કારણોસર ૩૧ માર્ચ સુધી જામીન આપ્યા હતા. આસારામ પોતાના જ ગુરુકુળની એક બાળકી પર બળાત્કારના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલની સજા કાપી રહ્યો છે. આ મામલો વર્ષ ૨૦૧૩નો છે. આસારામ હૃદયની બીમારીથી પણ પીડિત છે અને જેલમાં હતા ત્યારે તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ પીડિતાની બહેને દાખલ કરેલા બળાત્કારના કેસમાં વર્ષ ૨૦૧૯માં દોષિત સાબિત થયો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસ પણ વર્ષ ૨૦૧૩નો જ છે. આમ, બળાત્કારના કેસમાં દોષિત આસારામને તબીબી કારણોસર હાઈકોર્ટ દ્વારા ત્રણ મહિનાના જામીન મળવાથી તેને થોડી રાહત મળી છે.
આસારામને 14 જાન્યુઆરીએ જોધપુર કોર્ટમાંથી 31 માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા હતા. તે જ રાત્રે, તેઓ પાલી રોડ પરના આરોગ્યમથી નીકળીને 10:30 વાગ્યે પાલ ગામમાં તેમના આશ્રમ પહોંચ્યા.
હૉસ્પિટલની બહાર અને પાલ આશ્રમની અંદર અને બહાર સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેમણે ફૂલોની વર્ષા કરીને આસારામનું સ્વાગત કર્યું હતું. ત્યાં સાધકો સાથે થોડો સમય ચર્ચા કર્યા બાદ આસારામ 11 વાગે એકાંતમાં ગયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
