બર્ફીલા પવનથી ગુજરાત ઠુંઠવાયું, 8.1 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર
પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ડીસામાં ઠંડીનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યુ.
Gujarat Weather: રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો. 8.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન જોવા મળ્યુ. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યુ.
પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ડીસામાં ઠંડીનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યુ. આ તરફ ભૂજ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 11.2 ડિગ્રી પર પહોંચ્યો. જ્યારે વડોદરામાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો. અમદાવાદમાં ઠંડીનો પારો 12.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.
અમદાવાદમાં 15થી 16 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાતા નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના આંકડા અનુસાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહ્યુ હતુ. મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયુ હતુ. અતિશય ઠંડા પવન અને અસહ્ય ઠંડીને લીધએ લોકો ઠુંઠાવાયા હતા. રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી. અને બજારો પણ સુમસાન થઈ ગયા હતા.
તો રાજકોટમાં પણ ઠંડીનો પારો 12.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં ઠંડીનું તાપમાન 13 ડિગ્રી જ્યારે વલસાડ અને મહુવામાં ઠંડીનો પારો 13.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 14.3 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરતમાં 14.6 ડિગ્રી, વેરાવળમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો દમણ અને પોરબંદરમાં ઠંડીનું તાપમાન 16 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે દ્વારકામાં ઠંડીનો પારો 16.8 ડિગ્રી પર પહોંચ્યો.
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી
કાતિલ ઠંડીથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું છે. દિલ્લીમાં શિયાળાની સીઝનનું સૌથી નીચુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને 200 મીટર પર આવી ગઈ હતી. ભારે ધુમ્મસને કારમે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે 25થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિલ્લી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર પણ કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. રાજસ્થાનના ચુરૂમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે 0.9 ડિગ્રી પર પહોંચી ગયું હતું.