Coronavirus 4th Wave: ગુજરાતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. માવળંકરે શું કહ્યું
Gujarat Covid update: કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલિપ માવળંકરે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં કહ્યું, કોરોનાના કેસ વધી રહ્યા છે, હજારોની સંખ્યામાં કેસ આવવા લાગ્યા છે, જે ચોથી લહેરની શક્યતા દર્શાવે છે.
Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલિપ માવળંકરે મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યું ડો માવળંકરે
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલિપ માવળંકરે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં કહ્યું, કોરોનાના કેસ વધી રહ્યા છે, હજારોની સંખ્યામાં કેસ આવવા લાગ્યા છે, જે ચોથી લહેરની શક્યતા દર્શાવે છે. મોટા ભાગના લોકોએ રસીના બંન્ને ડોઝ લઈ લીધા છે. ઘણા બધા લોકોએ બુસ્ટર ડોઝ પણ લઈ લીધા છે તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝેશન અને વેન્ટીલેશન ખૂબ જરૂરી છે. ભીડ ના કરીએ તે તકેદારી રાખવી જરૂરી છે. 60 વર્ષથી ઉપરના જે લોકોનો બુસ્ટર ડોઝ બાકી હોય તેમણે લઈ લેવો જોઈએ. ઉપરાંત જે લોકો પ્રીકોશન ડોઝ લેવા લાયક હોય તેમણે પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ ડોઝ લેવો જોઈએ, જેથી કોરોના થાય તો પણ સામાન્ય લક્ષણ રહે. જો ધ્યાન નહિ રાખીએ તો ચોથી લહેર ભયંકર બનશે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં શુક્રવારે કોરોનાના 143 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 35 દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ ગાંધીનગરમાં થયું હતું. જૂન મહિનાના 10 દિવસમાં જ રાજ્યમાંથી 756 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. આ ઉપરાંત 10 દિવસના આ સમયગાળામાં દૈનિક કેસની ગતિમાં સાડા ત્રણ ગણો જેટલો વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી 83-ગ્રામ્યમાંથી 3 સાથે સૌથી વધુ 86 નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં અમદાવાદ જિલ્લામાંથી જ કુલ 418 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. આમ, જૂનમાં રાજ્યમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના 55 ટકા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક 10945 છે. અમદાવાદમાંથી સત્તાવાર રીતે 3619 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ 608 એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસનો આંક 600ને પાર થયો હોય તેવું 10 માર્ચ એટલે કે બરાબર 3 મહિના બાદ બન્યું છે. ગુજરાતમાં 10 દિવસમાં એક્ટિવ કેસમાં 170 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ 342, વડોદરામાં 93, સુરતમાં 47 સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યારસુધી કુલ 12,14,405 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ઘટીને હવે 99.06 ટકા છે. શુક્રવારે કુલ 59719 દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે 11.04 કરોડ છે.