નવા મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા વધી, હવે 3 મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન
ગુજરાતમાં આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નવા મંત્રી મંડળમાં ભૂપેન્દ્રભાઈ સહિત કુલ 26 મંત્રીઓ છે.

ગાંધીનગર: ગુજરાતમાં આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નવા મંત્રી મંડળમાં ભૂપેન્દ્રભાઈ સહિત કુલ 26 મંત્રીઓ છે. રાજ્યના નવ મંત્રીમંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરાના અનુભવી નેતા મનિષા વકીલ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને અમદાવાદ અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પહેલા જે ભૂપેન્દ્રભાઈ પટેલનું મંત્રીમંડળ હતું તેમાં એક માત્ર મહિલા તરીકે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા મંત્રી હતા. તેમને કેબિનેટ મંત્રી તરીકે સામાજિક ન્યાય અને મહિલા-બાળ વિકાસ જેવા મહત્વના ખાતા સોંપાયા હતા. હવે આ ત્રણેય મહિલા નેતાઓ વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરશે.
રીવાબા જાડેજા રાજકીય કારકિર્દી
જામનગર ઉત્તર મતવિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાને મહિલા અને યુવા નેતા તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. રીવાબા જાડેજા જામનગર ઉત્તર મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. રીવાબા માર્ચ 2019 માં ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાય જૂથ, કરણી સેનાની મહિલા પાંખના વડા પણ હતા. તેમણે 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જામનગર ઉત્તર મતવિસ્તારમાંથી ભાજપની ટિકિટ પર લડી હતી અને ભવ્ય જીત મેળવી હતી. ધારાસભ્ય બન્યા બાદ તેઓ સામાજીક પ્રવૃતિ સાથે જોડાયેલા રહ્યા હતા અને હવે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે.
દર્શનાબેન વાઘેલા
અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારના તેઓ ધારાસભ્ય છે. તેમણે બી.કોમ. (B.Com.) સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. રાજ્યની રાજનીતિમાં પ્રવેશતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બે વખત (એક-એક વર્ષના કાર્યકાળ માટે) અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે.
મનીષાબેન વકીલ
મનીષાબેન વકીલ વડોદરા શહેર (અનામત બેઠક)ના ધારાસભ્ય છે. તેમણે એમ.એ. (M.A.), બી.એડ. (B.Ed.) (અંગ્રેજી સાહિત્ય) અને પીએચ.ડી. (Ph.D.) સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 2012, 2017 અને 2022માં સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. 2022ની ચૂંટણીમાં 1,30,705 મતોના મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2021માં પ્રથમ વખત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા હતા.





















