Gujarat Election 2022 : ગુજરાતમાં મુસ્લીમ ઉમેદવારોને ટીકીટમાં ભારે કંજુસાઈ, કોંગ્રેસે પણ મોં ફેરાવ્યું!
ગુજરાતમાં મુસ્લીમ પ્રતિનિધિત્વ સતત ઘટી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંન્ને મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણીમાં મુખ્ય માપદંડ ઉમેદવારની 'જીતવાની ક્ષમતા'નું કારણ આપે છે.
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. જાતિગત સમીકરણો વચ્ચે મુસ્લીમ મતબેંકની ચર્ચા ફરી એક વાર ચર્ચાનો વિષય બની છે. પરંતુ ટીકિટ મામલે મુસ્લીમ ઉમેદવારોની સંખ્યા તદ્દન નહિવત નજરે પડે છે. ભાજપે 254 વર્ષ પહેલા મુસ્લીમ ઉમેદવારને ટીકિટ આપી હતી. તો કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીમાં 10થી વધારે મુસ્લીમ ઉમેદવારોને છેલ્લે 1995માં મેદાનમાં ઉતાર્યા હતાં. ગુજરાતમાં મુસ્લીમ વસ્તી 9 ટકાની આસપાસ છે.
ગુજરાતમાં મુસ્લીમ પ્રતિનિધિત્વ સતત ઘટી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંન્ને મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણીમાં મુખ્ય માપદંડ ઉમેદવારની 'જીતવાની ક્ષમતા'નું કારણ આપે છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં જે ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાં 6 મુસ્લીમ છે. જ્યારે ભાજપના 166 ઉમેદવારોમાંથી એક પણ મુસ્લીમ નથી.
કોંગ્રેસની અલ્પસંખ્યક શાખાએ આ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લીમ ઉમેદવારો માટે 11 ટીકિટ માંગી છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 6 જ ટીકિટ આપવામાં આવી છે. છેલ્લે 27વર્ષ પહેલા કોંગ્રેસે10થી વધારે મુસ્લીમ ઉમેદવારોને ટીકિટ આપી હતી. ચાર દાયકામાં 1980માં કોંગ્રેસે સૌથી વધુ મુસ્લીમ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતાં. તે સમયે કોંગ્રેસે 17 મુસ્લીમ ઉમેદવારોને ટીકિટ આપી હતી. તે સમયે તત્કાલીન પૂર્વમુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ સફળતાપૂર્વક તેમનું KHAM (ક્ષત્રિય, હરિજન,આદિવાસી, મુસ્લીમ) કાર્ડ ખેલ્યું હતું. જે કારગર નિવડ્યું હતું અનેવિધાનસભામાં 12 મુસ્લીમ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતાં.
...અને મુસ્લીમ પ્રતિનિધિઓની સંખ્યા ઘટતી ગઈ
જોકે આશ્ચર્યજનક રીતે આ સફળતા બાદ પણ કોંગ્રેસે KHAM ફોર્મ્યુલા આગળ વધારતા 1985માં પોતાના મુસ્લીમ ઉમદવારોની સંખ્યા ઘટાડીને 11 કરી નાખી અને તેમાંથી 8 ચૂંટાઈ આવ્યા હતાં. પરંતુ 1990ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રામજન્મભૂમિ અભિયાને હિંદુત્વની રાજનીતિનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. પરિણામે ભાજપ અને તેના સહયોગી જનતા દળે તે ચૂંટણીમાં એક પણ મુસ્લીમ ઉમેદવારને ટીકિટ ના આપી જ્યારે કોંગ્રેસે 11 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં તેમાંથી માત્ર 2 જ જીતી શક્યા હતાં.
રમખાણોએ મતદાતાઓનું ધ્રુવિકરણ કરી નાખ્યું
વર્ષ 2002માં ગોધરા ટ્રેનકાંડ અને ત્યાર બાદ રાજ્યમાં થયેલા કોમી રમખાણોએ મતદાતાઓનું મોટા પાયે ધ્રુવિકરણ કર્યું. કોંગ્રેસે 2002નીવિધાનસભાની ચૂંટણીમાં માત્ર 5 મુસ્લીમ ઉમેદવારોને ટીકિટ આપી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 6થી મુસ્લીમ ઉમેદવારોને ટીકિટ આપવામાં નથી આવી. ભાજપ ઉમેદવારોની પસંદગીમાં એકમાત્ર માપદંડ'જીતવાની ક્ષમતા'નો હવાલો આપે છે. પાર્ટીના અલ્પસંખ્યક બાબતોના અધ્યક્ષ મોહસિન લોખંડવાલાએ કહ્યું હતું કે, અનામત બેઠકોને બાદ કરતા પાર્ટી માત્ર ઉમેદવારની જીતવાની ક્ષમતાને જ માપદંડ તરીક સ્વિકારે છે. આ બાબત માત્ર વિધાનસભાની ચૂંટણીમાં જ નહીં પણ નગર પાલિકા કે નગર નિગમની ચૂંટણીમાં પણ લાગુ પડે છે.
કોંગ્રેસ પણ ભાજપના માર્ગે
ભાજપ અલ્પસંખ્યક સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારોમાં પંચાયત કે પાલિકાનીચૂંટણીમાં જ મુસ્લીમ ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. પરંતુ હવે ધીમે ધીમે કોંગ્રેસ પણ આજ રસ્તે જઈ રહી છે. અમદાવાદના ખાડિયા-જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે,રાજકીય પક્ષો જે તે મતવિસ્તારના સમીકરણોને ધ્યાનમાંરાખીને ઉમેદવારની જીતવાની ક્ષમતા પર વિચાર કરે છે. કોંગ્રેસ અલ્પસંખ્યકોને ટીકિટ જરૂર આપે છે પરંતુ તે પણ સ્થાનીય સમીકરણો પર નિર્ભર રહે છે. ઈમરાન ખેડાવાલા જે વિધાનસભાક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે તે એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં મુસ્લીમ મતદાતાની સંખ્યા 61 ટકા છે. વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો છે. જેમાં જમાલપુર-ખાડિયાથી ઈમરાન ખેડાવાલા, દરિયાપુરથી ગ્યસુદ્દિન શેખ અને વાંકાનેરથી જાવિદ પીરજાદા.
કોંગ્રેસ પર સૌકોઈની નજર
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનું નિધન થયું છે. તેમની ગેરહાજરીમાં સૌકોઈની નજર કોંગ્રેસ પર છે કે, તે કેટલા મુસ્લીમ ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. જોકે સામે અસદુદ્દીન ઓવૈશીની પાર્ટી AIMIM અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જરૂર મુસ્લીમ ઉમેદવારો પરપસંદગીનો કળશ ઢોળી શકે છે.