(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે કરી નવી ભવિષ્યવાણી, જણાવ્યું ગુજરાતમાં કૉંગ્રેસને કેટલી બેઠકો મળશે
ગુજરાતની ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. દસ વર્ષમાં બે રાજ્યોમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી હાલમાં બેવડા પડકારનો સામનો કરી રહી છે.
Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. દસ વર્ષમાં બે રાજ્યોમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી હાલમાં બેવડા પડકારનો સામનો કરી રહી છે. પાર્ટી ગુજરાત અને એમસીડી બંને ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે એબીપી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ ખાસ મુલાકાતમાં તેમણે ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ માટે AAP એકમાત્ર પડકાર છે, તેથી બંને જગ્યાએ એક જ સમયે ચૂંટણી કરાવી છે. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે તેઓ આધુનિક સમયના અભિમન્યુ છે, જેના કારણે તેઓ એ પણ જાણે છે કે ભાજપના આ દુષ્ટ ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળવું. તેમણે કહ્યું કે બંને ચૂંટણીમાં લોકોનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. જનતા અમારી સાથે છે.
અરવિંદ કેજરીવાલે કરી ભવિષ્યવાણી
ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે મતોનું વિભાજન થાય છે, આ દરમિયાન ત્રીજા પક્ષ માટે સ્થાન ક્યાં છે ? આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોઈ પણ વસ્તુને સ્થિર માની શકાય નહીં. હું કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલાને માન આપું છું. તેઓ તેમના જમાનાના સારા નેતા હતા, પરંતુ આ વખતે એક ચમત્કાર થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે એક ખાસ મુલાકાતમાં આગાહી કરી હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 5 સીટો મળશે. કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કાગળ પર લેખિતમાં પણ આપી હતી.
ગુજરાતમાં AAP વધી રહી છે, કોંગ્રેસ-ભાજપ પતન પર છે
તેમણે કહ્યું કે, કોંગ્રેસને ઓછી બેઠકો મળશે તો આમ આદમી પાર્ટીને તમામ વોટ મળશે. કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં AAP દિવસેને દિવસે વધી રહી છે, જ્યારે કોંગ્રેસ અને બીજેપી દિવસેને દિવસે ઘટી રહી છે. અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું કે આ વખતે કોંગ્રેસના મોટા નેતાઓની હાર થશે.
દીનુમામાએ ભાજપને આપ્યો વધુ એક ઝટકો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પાદરા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર દિનુમામાએ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. જોકે તેમના રાજીનામાં બાદ ભાજપને વધુ એક ઝાટકો લાગ્યો છે. પાદરા તાલુકા પંચાયતના ભાજપમાં ચૂંટાયેલા 16 સભ્યોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે.
દિનુમામાના સમર્થનમાં આપ્યા રાજીનામાં
ભાજપમાંથી દિનુમામા બાદ પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા ઉપપ્રમુખ ઉષાબેન ચૌહાણ તથા કારોબારી ચેરમેન હરેશ પટેલ સહિત ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન પરમાર સહિત દંડક પ્રદીપભાઈ જાદવ સહિત કુલ 15 સભ્યો ભાજપના અને 1 અપક્ષના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદશ્ય સહિત કુલ 16 ચૂંટાયેલા સદશ્યોએ રાજીનામા આપી દેતા રાજકારણ ગરમાયું છે. ભાજપે મામાની ટિકિટ કાપતા નારાજ તાલુકા પંચાયતના સદશ્યએ રાજીનામાં આપી દીધા છે. હજુ પણ અનેક હોદેદારો દિનુમામાના સમર્થનમાં રાજીનામાં આપી શકે છે.