ગુજરાત સરકારે ત્રણ જિલ્લાના ખેડૂતો માટે 'ખાસ પેકેજ' જાહેર કર્યું, પાક નુકસાની ઉપરાંત ₹20,000ની વિશેષ સહાય મળશે
Gujarat farmer relief: ૧લી નવેમ્બર ૨૦૨૫ સુધી જેના ખેતરમાં પાણી ભરાયેલું હશે તેવા ખેડૂતોને ખાતા દીઠ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે; શિયાળુ પાક લેવાની પરિસ્થિતિમાં ન હોય તેવા ખેડૂતોને રાહત.

Gujarat farmer relief: રાજ્ય સરકારે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના કમોસમી વરસાદ અને પાણી ભરાવવાથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ત્રણેય વિસ્તારોના ખેડૂતોને પાક નુકસાનીની સહાય ઉપરાંત હેક્ટર દીઠ ₹૨૦,૦૦૦ની વિશેષ સહાય ચૂકવવામાં આવશે.
સરકારના આ નિર્ણય મુજબ, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના જે ખેડૂતોના ખેતરોમાં ૧લી નવેમ્બર, ૨૦૨૫ સુધી પાણી ભરાયેલું હશે અને જે ખેડૂતો શિયાળુ પાક લેવાની પરિસ્થિતિમાં નથી, તેવા ખેડૂતોને આ વિશેષ સહાય મળવાપાત્ર થશે. આ સહાય ખેડૂતોને ખાતા દીઠ ૨ હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે, જેનાથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મોટી મદદ મળશે.
પેકેજમાં વાવ-થરાદ અને પાટણ જિલ્લા માટે એક ખાસ જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે જમીનમાં ક્ષાર જમા થઈ ગયો છે, જેનાથી શિયાળુ પાકનું વાવેતર શક્ય નથી અને જમીન સુધારણાની જરૂરિયાત ઊભી થઈ છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણા (Soil Reclamation) માટે રાજ્ય બજેટમાંથી ₹20,000 પ્રતિ હેક્ટર લેખે વધારાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે. આ વધારાની સહાય પણ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. આ સહાય મેળવવા માટે, ખેડૂતોએ November 1, 2025 અથવા તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાયેલ હોય તેવા સર્વે નંબરનો જીઓ-ટેગ ફોટોગ્રાફ DCS/કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર અપલોડ કરીને અરજી સાથે પુરાવા તરીકે રજૂ કરવાનો રહેશે.
આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર VCE/VLE મારફત કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં, આ સેવા નિઃશુલ્ક છે. અરજી કરતી વખતે ગામ નમૂના નં. 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો (અથવા ગામ નમૂના નં. 7-12), આધાર નંબર, મોબાઈલ નંબર અને બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. પાક નુકસાન અને જમીન સુધારણા બંને સહાય માટે ખેડૂતોએ પોર્ટલ પર અલગ-અલગ અરજી કરવાની રહેશે.
પેકેજની મુખ્ય શરતો મુજબ, આ લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર રહેશે નહીં. સહાય ખાતા દીઠ (ગામ નમૂના નં. 8/અ દીઠ) એક જ લાભાર્થીને મળશે, અને સંયુક્ત ખાતાના કિસ્સામાં અન્ય ખાતેદારોનો "ના-વાંધા અંગેનો સંમતિ પત્ર" રજૂ કરવો ફરજિયાત છે. જોકે, વન અધિકાર પત્ર (સનદ) ધરાવતા ખેડૂત ખાતેદારો પણ આ પેકેજનો લાભ મેળવી શકશે. તમામ સહાયની ચુકવણી PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે, અને સમગ્ર કામગીરીનું જિલ્લા કક્ષાએ સંકલન જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવશે. આ પેકેજમાં વાવ-થરાદ, પાટણ, કચ્છ, જૂનાગઢ અને પંચમહાલ જિલ્લાના કુલ 5 જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓના ગામોને સમાવવામાં આવ્યા છે.





















