દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે આ દિવ્યાંગોને પણ મળશે સંત સુરદાસ યોજનાનો લાભ, નિયમોમાં થયા ફેરફાર
છેલ્લા 5 વર્ષમાં રાજ્યના 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ યોજનાઓ થકી રૂ. 820 કરોડની જંગી સહાય. ટુ-વ્હીલર ખરીદી માટે હવે BPL કાર્ડ કે ફક્ત ઇલેક્ટ્રિક વાહનની શરત દૂર: મનપસંદ વાહન ખરીદી શકાશે.

Sant Surdas Scheme: ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સંત સુરદાસ યોજનાનો લાભ માત્ર 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને જ મળતો હતો, પરંતુ હવે આગામી વર્ષ 2025-26થી આ મર્યાદા ઘટાડીને 60 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે વધુને વધુ દિવ્યાંગજનો આર્થિક સુરક્ષા કવચ હેઠળ આવી શકશે. આ ઉપરાંત, સાધન સહાય અને એસ.ટી. બસ પાસ જેવી સુવિધાઓને પણ વધુ સરળ અને વ્યાપક બનાવવામાં આવી છે.
દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે સરકારની નવી પહેલ
દિવ્યાંગોના જીવનમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે લેવાયેલા નિર્ણયો તેનો પુરાવો છે. સંત સુરદાસ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી 80 ટકા કે તેથી વધુ હોવી ફરજિયાત હતી. રાજ્ય સરકારે આ નિયમમાં મોટી રાહત આપીને વર્ષ 2025-26થી 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ નાગરિકોને આ યોજનામાં સમાવી લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2024-25માં આ યોજનામાંથી BPL કાર્ડની અનિવાર્યતા અને 0 થી 17 વર્ષની વય મર્યાદા જેવી જોગવાઈઓ દૂર કરી દેવામાં આવી હતી, જેથી મહત્તમ લોકો લાભ મેળવી શકે.
‘વિકલાંગ’ નહીં, હવે ગૌરવવંતું ‘દિવ્યાંગ’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શારીરિક અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ માટે ‘વિકલાંગ’ શબ્દને સ્થાને ‘દિવ્યાંગ’ શબ્દ પ્રયોજીને સમાજમાં તેમને એક નવું આત્મસન્માન બક્ષ્યું છે. આ માત્ર શબ્દફેર નથી, પરંતુ દિવ્યાંગો પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ બદલવાનો એક પ્રયાસ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં ‘રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ’ (RPWD Act-2016) અમલમાં મૂકવામાં આવ્યો, જેના થકી દિવ્યાંગોને કાયદાકીય પીઠબળ અને સમાન અધિકારો પ્રાપ્ત થયા છે.
કલ્યાણકારી યોજનાઓનું વ્યાપક અમલીકરણ
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગો માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે, જેમાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ, લગ્ન સહાય, સાધન સહાય, પેન્શન સ્કીમ અને મફત મુસાફરીનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ તો, રાજ્ય સરકારે 4 લાખથી વધુ લાભાર્થીઓને જુદી-જુદી યોજનાઓ હેઠળ કુલ રૂ. 820 કરોડથી વધુની આર્થિક સહાય પૂરી પાડી છે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો છે.
વાહન ખરીદી અને મુસાફરીમાં મોટી રાહત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોની સુવિધામાં વધારો કરતા કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે:
ટુ-વ્હીલર સહાય: અગાઉ દિવ્યાંગોને વાહન ખરીદવા માટે BPL કાર્ડ હોવું જરૂરી હતું, જે હવે દૂર કરવામાં આવ્યું છે. તે જ રીતે, ફક્ત ઇલેક્ટ્રિક વાહન જ ખરીદવું તેવી જોગવાઈ પણ હટાવી લેવામાં આવી છે, જેથી હવે દિવ્યાંગ વ્યક્તિ પોતાની પસંદગીનું કોઈપણ ટુ-વ્હીલર ખરીદી શકશે.
એસ.ટી. બસ પાસ: દિવ્યાંગો માટે એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરીનો પાસ હવે આજીવન માન્ય રહેશે. રાજ્યની અંદર તેમજ રાજ્ય બહારના જે-તે રૂટના અંતિમ સ્ટેશન સુધી તેઓ મફત મુસાફરી કરી શકશે.
સહાયકને લાભ: ગંભીર બીમારીઓ જેવી કે પાર્કિન્સન, થેલેસેમિયા, હિમોફિલિયા કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા દિવ્યાંગોની સાથે મુસાફરી કરતા તેમના સહાયક (Attendant) ને પણ 100% ટિકિટ માફીનો લાભ આપવામાં આવ્યો છે.
મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય સહાય
અગાઉ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મેળવવા કે રિન્યુ કરાવવા માટે વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડતા હતા. હવે રાજ્ય સરકારે સંવેદનાપૂર્ણ નિર્ણય લઈ દિવ્યાંગતા પ્રમાણપત્રને આજીવન માન્યતા આપી છે, જેથી વારંવાર મેડિકલ ચેકઅપની હાડમારીમાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત, ગંભીર શારીરિક વ્યાધિ ધરાવતા (40% થી વધુ દિવ્યાંગતા) લોકોને માસિક રૂ. 1000ની વિશેષ સહાય પણ ચૂકવવામાં આવે છે. આધુનિક સમયની જરૂરિયાત મુજબ મોટોરાઇઝડ ટ્રાઇસીકલ અને જોયસ્ટીક વ્હીલચેર માટેની નવી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે.





















