હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર અચાનક વધવાનું છે. શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ આખા રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવું અનુમાન છે.
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
શુક્ર અને શનિવારે આખા રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસશે, જુલાઈના અંત સુધીમાં સરેરાશ કરતા 5 ટકા વધુ વરસાદ નોંધાયો.

- રાજ્યમાં વરસાદનું જોર વધશે; 31 જુલાઈએ રેડ એલર્ટ.
- 31 જુલાઈએ અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ.
- આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ; 1 ઓગસ્ટ અમદાવાદ.
- ચાર સક્રિય વરસાદી સિસ્ટમથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે.
Gujarat rain forecast: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર અચાનક વધવાનું છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે સીધું જ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે 1 ઓગસ્ટે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ આખા રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હાલમાં એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાત પર ફરી એકવાર પાણી-પાણી થવાના એંધાણ છે.
આ વરસાદી માહોલ પાછળનું મુખ્ય કારણ જણાવતા હવામાન વિભાગે કહ્યું છે કે, હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ 4 સિસ્ટમ એકસાથે સક્રિય છે. આ સિસ્ટમ્સની અસરને લીધે જુલાઈ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા 5 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આંકડાકીય માહિતી મુજબ જોઈએ તો, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 372.1 મીમી એટલે કે સરેરાશ 14.88 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
આજના દિવસની વાત કરીએ તો, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર એમ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જોકે, આવતીકાલથી સ્થિતિ વધુ જોરદાર બનશે. આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત કાલે ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ રહેશે.
31 જુલાઈનો દિવસ રાજ્યના ઘણા ભાગો માટે ભારે સાબિત થઈ શકે છે. આ દિવસે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદ એટલે કે જળબંબાકારની સંભાવના હોવાથી અહીં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ જ દિવસે દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 31 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા (વાવ-થરાદ સહિત), પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું યલો એલર્ટ રહેશે.
આગામી શુક્રવારની આગાહી પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે ભાવનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ શુક્રવારે ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Frequently Asked Questions
ગુજરાતમાં વરસાદનું જોર ક્યારથી વધશે?
31 જુલાઈના રોજ કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?
31 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ અપાયું છે.
હાલના ભારે વરસાદ પાછળ મુખ્ય કારણો શું છે?
હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ 4 સિસ્ટમ એકસાથે સક્રિય હોવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ નોંધાયો છે?
ગુજરાતમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં સામાન્ય કરતા 5 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 372.1 મીમી એટલે કે સરેરાશ 14.88 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.





















