Gujarat Rain Live Updates: ભાવનગરના ઠાંસા ગામમાં જળબંબાકાર, અનેક મકાનોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Live Updates: સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે
LIVE

Background
Gujarat Rain Live Updates: સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ, વેરાવળમાં પણ 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામે વરસાદના પાણી ફરી વળ્યા હતા. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આંબળાસ ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. જૂનાગઢનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. માળિયા હાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા, ધણેજ ગામને એલર્ટ કરાયા હતા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી.
જૂનાગઢના કેશોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના મેંદરડામાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મધુવંતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ચિરોડા, ચોરેશ્વર, સાત વડલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મહુવા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે. હવમાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં શહેરના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. રાજુલા, જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના રોહિસા, વડલી, ભાડા, ટીંબી ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા, બાલાપરમાં વરસાદ વરસી રહ્યો છે.
ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ છે. ઓઝત-2, ઓઝત શાપુર, ઓઝત વંથલી ડેમ ઓવરફ્લો થયો હતો. ઓઝત શાપૂરના 10 દરવાજા 0.20 મીટર ખોલાયા હતા. ઓઝત વિયર આણંદપૂર ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધારે વરસાદે તારાજી સર્જી હતી. જિલ્લાના કેટલાક ગામમાં વીજપોલ પડી જતા વીજળી ગુલ થઈ હતી. લોકોને આપાતકાલિન સ્થિતિમાં કંટ્રોલરૂમમાં જાણ કરવા કલેકટરે અપીલ કરી હતી. તમામ સ્થિતિને પહોંચી વળવા પ્રશાસન સજ્જ હોવાની કલેકટરે ખાતરી આપી હતી.
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ પેદા થઈ હતી. સાવરકુંડલા-મહુવા નેશનલ હાઈવે બંધ કરાયો હતો. ડાયવર્ઝનની કામગીરીને પગલે વરસાદના પાણી ફરી વળ્યા હતા. સાવરકુંડલા-મહુવા હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા.





















