Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 34 જિલ્લાના 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે.

- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, મોસમનો 20.44% નોંધાયો.
- નર્મદા ડેમ 65% ભરાયો, 11 ડેમ હાઇ એલર્ટ પર.
- 1528 નાગરિકોનું સ્થળાંતર કરાયું, 134ને સુરક્ષિત બચાવ્યા.
- ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 167 રસ્તા બંધ.
Seasonal average Rainfall: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 34 જિલ્લાના 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 8 ઇંચથી વધુ, પારડી અને ઉમરગામ તાલુકામાં 6-6 ઇંચ કરતા વધુ, સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 6 ઈંચથી વધુ જ્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.7 જુલાઈ, 2026 ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર રીઝીયનમાં સૌથી વધુ 26.7 ટકા, દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, ઉત્તર-મધ્ય ગુજરાતમાં 15.20, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને સૌથી ઓછો કચ્છમાં 1.92 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસાદના પગલે 11 ડેમ હાઇ એલર્ટ
SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 65 ટકા જેટલો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 40.01 ટકા જેટલા ભરાઈ ગયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 11 ડેમ હાઇ એલર્ટ, 4 ડેમ એલર્ટ અને 7 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
NDRF-SDRFની કુલ 36 ટીમો તૈનાત
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન 1 જૂન, 2026 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 1528 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 134 નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ 36 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો- Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે આખાય ગુજરાતમાં થશે સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ભાગોમાં આકાશી આફતની શક્યતા
વરસાદને પગલે ગુજરાતમાં કુલ 167 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. અતિભારે વરસાદને પગલે ગુજરાતમાં કુલ 167 રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અમરેલી જિલ્લામાં 1-1 નેશનલ હાઈવે પણ પાણી ભરાવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, પંચાયત હસ્તકના 157 જેટલા ગ્રામીણ માર્ગો પણ બંધ થઈ ગયા છે, જેને કારણે હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.





















