Gujarat Rains: રાજ્યમાં ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ, આ જિલ્લામાં સૌથી વધુ અસર
Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
Gujarat Rains 2023: ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે 106 રસ્તાઓ બંધ છે જેમાં પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ,બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.
24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે 80 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 6.11 વાગ્યે 30158 કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી 53.1મી. તથા હાલની સપાટી 51 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકા ના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાનો વેણુ-2 ડેમ 80 % ભરાઈ જતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર 153 વેણુ-2 ડેમ ભારે વરસાદને કારણે 80 % ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 6.37 વાગ્યે 16666 કયુસેક પ્રવાહની આવક ચાલું છે. ડેમની કુલ સપાટી 55 મી. તથા હાલની સપાટી 53.21,પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે.
મોરબીના મચ્છુ – 3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા
સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો જેના પગલે ચોટીલા ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત લખતર અને સાયલામાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હોવાથી હેઠવાસના 20 ગામોને એલર્ટ કરાયા છે.
Join Our Official Telegram Channel: