Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી
Ahmedabad Rain:ગુજરાતમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સવારથી જ મેઘરાજાએ ધુંવાધાર એન્ટ્રી કરી હતી.

Ahmedabad Rain:ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે સવારથી વરસાદ તૂટી પડતાં અનેક રસ્તા પાણી પાણી થઇ ગયા છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ત્રાટકતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદના સન સીટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં રોડ પર એક વૃક્ષ ઘરાશાયી થયું છે. જેના કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો છે. ભારે વરસાદના કારણે બોપલ વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના બોપલ, શેલા, શીલજ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.સવારે ઓફિસ અને ધંધાર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદમાં મોટાભાગના વિસ્તારને મેઘરાજાએ ઘમરોળ્યું છે. એસજી હાઈવે, વૈષ્ણોદેવી, બોપલ,શેલા,ગોતા, શીલજ, એસપી રિંગરોડ, સહિતના વિસ્તારને મેઘરાજાએ જળમગ્ન કરી દીધા છે. વરસાદની સાથે ભારે પવન ફુંકાતા ક્યાંક વૃક્ષ, તો ક્યાંક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. એસપી રિંગ રોડ પર પતરાનો શેડ પણ ધરાશાયી થયો છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાવવા જઈ રહેલા ચક્રવાત 'દાના'ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મૂશળધાર વરસાદ પડી શકે છે.
મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં વરસાદની મહત્તમ સંભાવના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.IMDએ રવિવારે જણાવ્યું હતું કે 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાવાની સંભાવના છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
