Gujarat Rain: આજે પણ રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે.
આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન
હવામાનની આગાહી મુજબ, આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી, બોટાદ અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ,વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો
અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જે પૈકી નવ તાલુકા તો એવા રહ્યા જ્યાં બેથી પોણા આઠ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મહુવામાં 7.68 ઈંચ, સિહોર 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, તો, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
ગઈકાલ સવારથી આજ સુધીમાં ગીર સોમનાથના, ઉના અને સુત્રાપાડામાં 3.94 અને 3.11 ઈંચ વરસાદ, કોડીનારમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યારે અમરેલીના જાફરાબાદમાં 3.74, રાજુલામાં 3.03, સાવરકુંડલામાં 2.05, ખાભામાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા, તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદમાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.





















