આરઝી હકૂમત સોરઠના સરહદી વિસ્તારોમાં કાઠી,કારડીયા,હાટી,મહિયા દરબાર,મેર અને ખારવા સહિતની જ્ઞાતિના યુવાન સ્વયંસેવકોની બનેલી લોકસેનાને તાલીમ આપી રહી છે. ધ્રોલ દરબાર દ્રારા તાલીમ આપવા માટે જરુરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બાબરીયાવાડના દરબાર સુરગભાઈ વરુ અને ભાડવા દરબાર ચંદ્રસિંહ ઉપરાંત રતુભાઈ અદાણી દ્રારા લોકસેનાના યુવાનોને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી. હવે તમામ લોકોએ  કરો યા મરોના નારા સાથે લશ્કર સામે બાથ ભીડી જૂનાગઢને આઝાદ કરાવવા માટે સંકલ્પ લીઘો. અમરેલી જિલ્લાના કુકાવાવ પાસેથી લોકસેનાના સૈનિકોએ જૂનાગઢ રાજયના અમરાપુરમાં ઘુસ્યા અને કોઈપણ જાતની લડાઈ વગર ગામ કબજે કર્યુ. આરઝી હકૂમતે જે રણનીતિ અપનાવી તેનાથી સારી સફળતા મળી અને તે અંગે વાત કરીએ તે પહેલા જાણીએ જૂનાગઢ રાજયની વિશેષતા વિશે.



( શસ્ત્રો સાથે લોકસેના) 


જૂનાગઢ 13 તાલુકા ધરાવતુ રાજય હતું.  જેમાં 866 ગામોનો સમાવેશ થતો હતો. જૂનાગઢ પાસે વેરાવળ જેવુ ધમધમતુ બંદર હતું અને સાસણ ગીરનું જંગલ હતું,  જયાં સિંહો વસવાટ કરતા હતા. જૂનાગઢ આસપાસના વિસ્તારને સોરઠ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર પાણીથી સમૃધ્ધ હોય અહીંની ખેતી અને ખાસ કરીને બાગાયતી ખેતી ખૂબ આગળ પડતી હતી. નવાબ પોતે પર્યાવરણ પ્રેમી અને ખેતીને પ્રોત્સાહન આપનારા હતા. જે કેસર કેરીને આજે વિશ્વભરમાં ઓળખ મળી છે તેની શોધ નવાબ મહાબત ખાન ત્રીજાના સમયમાં થઈ હતી. સક્કરબાગ પાસેના બગીચામાં કેસર કેરીની કલમો રોપવામાં આવી હતી. નવાબ આવા સંશોધનને ખાસ પ્રાધાન્ય આપતા જેને પગલે રાજયમાં ધંધા રોજગારની સ્થિતી 1947 પહેલા ખૂબ સારી હતી. 1947 પહેલા જૂનાગઢ રાજયની વાર્ષિક આવક 1 કરોડ અને 90 લાખ હતી. તેથી અંગ્રેજોના શાસન સમયે જૂનાગઢ રાજયના નવાબને બહારના પ્રસંગો પર 13 તોપની સલામી જયારે ખાનગી પ્રસંગ પર 15 તોપની સલામી આપવામાં આવતી હતી. અંગ્રેજોના સમયે રાજા રજવાડાઓનું કદ તેમને અપાતી તોપોની સલામી પરથી નક્કી થતું હતું. 1947માં દેશમાં કુલ 18 મુસ્લિમ શાસકો પૈકી જૂનાગઢ નવાબનો પાંચમો ક્રમ હતો.



(નવાબ મહાબત ખાન ત્રીજા )


જૂનાગઢ રાજયમાં ગીરનાર પર્વત હતો જે  ખૂબ પ્રાચીન અને આધ્યાત્મિકતાનું પ્રતિક ગણાતો.  અહીં અંબાજી માતાજી બિરાજમાન હતા તો ગુરુ દત્તાત્રેય અને જૈન મંદિરો પણ આવેલા હતા. ગીરનાર તળેટીમાં પ્રખ્યાત ભવનાથ મંદિર સહિત અનેક મહત્વ ધરાવતા શિવમંદિરો  હતા. બીજી તરફ રાજયના પ્રભાસ પાટણમાં પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ અને ભાલકાતીર્થ જેવા તીર્થસ્થાનો પણ હતા.  જેને લઈને શ્રદ્ધાળુઓનો મેળાવડો બારેમાસ જોવા મળતો. નવાબના સમયમાં ગીરનાર પર્વત અને ભવનાથને ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યા હતા. તમામ તહેવારનું નવાબના સમયે ખાસ મહત્વ જળવાતુ તેથી અહીંની પ્રજામાં નવાબ માટે વિશેષ આદર અને સન્માન હતું. જો કે શાહનવાઝ ભુટ્ટોના દિવાન બન્યા બાદ નવાબ તેમની આભામાં આવ્યા અને પાકિસ્તાન તરફી નિર્ણયને પગલે પ્રજામાં નવાબ પ્રત્યે કચવાટ ઊભો થયો હતો.




(ગિરનાર પર્વત) 


રાજકોટથી આરઝી હકૂમતનો વહીવટ ચાલી રહ્યો હતો ત્યારે જૂનાગઢ નજીકના કોઈ અજાણ્યા સ્થળે આઝાદ જૂનાગઢ રેડિયો સ્ટેશન શરુ કરવામા આવ્યુ હતું. રેડિયો પર ચલો જૂનાગઢ એકસાથ તેમજ આરઝી હકૂમત ઝિંદાબાદની ગ્રામોફોન રેકર્ડ વારંવાર વગાડવામાં આવતી હતી. જેથી જૂનાગઢ રાજય ઉપર એક માનસિક દબાણ વધવા લાગ્યું. આરઝી હકૂમતે  રેડિયોના માધ્યમથી જૂનાગઢની પ્રજાને જાગૃત કરવાનુ કામ કર્યુ તે થોડા સમયમાં સફળ થવા લાગ્યુ હતું. જૂનાગઢ રાજયમાં આરઝી હકૂમતની બહાદુરીની  વાતો તેમજ ચળવળની વાતો વારંવાર રેડિયો પર પ્રસારીત  કરવામા આવતી હતી  જેથી જૂનાગઢ રાજય ઉપર તેની અસર પડે. 




(દુર્લભજી નાગ્રેચા અને લોકસેના)


સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ વિસ્તારના અખબારોમાં જૂનાગઢને આઝાદી અપાવવા માટે થઈ રહેલા કાર્યોની માહિતીનો પ્રચાર પૂરજોશથી કરવામાં આવી રહ્યો હતો. આરઝી હકૂમતની વાતો તમામ છાપાઓમાં લેખ સ્વરુપે છપાવા લાગી પરિણામે આરઝી હકૂમતનો વ્યાપ ધીરે-ધીરે જૂનાગઢ રાજયના ગામોમાં વધવા લાગ્યો. જૂનાગઢની પ્રજાને થયું કે વિવિધ છાપાઓમાં  જે કાંઈ વાંચી રહ્યા છીએ તેનાથી સ્પષ્ટ  થઈ રહ્યું હતું કે જૂનાગઢને લઈને કંઈક નવાજૂની થશે. આ વાત અને સમય હતો હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર સાતમ આઠમ અને  નવરાત્રિ વચ્ચેનો, સાતમ આઠમના પર્વનું સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડમાં અનેરુ મહત્વ રહેતુ હોય છે. આ દિવસોમાં લોકો ઘરે અલગ અલગ વાનગીઓ બનાવી પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે. શ્રાવણ માસની શરુઆતના દિવસોમાં જૂનાગઢ આસપાસના રજવાડાના શહેરોમાં આર્થિક બહિષ્કારને પગલે લોકોને જીવન જરુરી ચીજ વસ્તુઓની અછત જોવા મળતી હતી. પ્રજા શ્રાવણ માસ અને પછી ભાદરવાના શ્રાધ્ધ પછી આવતી નવરાત્રિ અને દિવાળીના તહેવારોની વણઝાર વચ્ચે લોટ, તેલ, મીઠુ તેમજ કેરોસીનની અછતને પગલે તહેવારો કેમ મનાવવા તેની ચિંતામાં હતા.



(ગામડાઓમાં તાલીમ લેતી લોકસેના)


24 ઑક્ટોબર 1947 દશેરાનો તહેવાર હતો. અધર્મ પર ધર્મની જીતની વ્યાખ્યા મુજબ આરઝી હકૂમતની આઝાદ જૂનાગઢ ફૌજે હવે જૂનાગઢ રાજયની સરહદ પર છાપો મારીને ગામ કબજે કરવાનો સંકલ્પ કર્યો. આ માટે તેઓએ  જૂનાગઢ રાજયના પૂર્વ સરહદી વિસ્તાર પર પ્રથમ પસંદગી ઉતારી. અહીં અમરેલી જિલ્લાના કુકાવાવ પાસેથી લોકસેનાના સૈનિકોએ જૂનાગઢ રાજયના અમરાપુરમાં ઘુસ્યા અને કોઈપણ જાતની લડાઈ વગર ગામ કબજે કર્યુ. પહેલુ ગામ કબજે કરતા જ ગામમાં આરઝી હકૂમત ઝિંદાબાદના નારા લાગ્યા. લોકસેનાનો જુસ્સો વધ્યો અને લોકસેના આગળ વધી માત્ર એક દિવસમાં જૂનાગઢ રાજયની પૂર્વ સરહદના 11 ગામો પર કોઈપણ જાતના પ્રતિકાર વગર કબજો લઈ  લીધો. હવે આરઝી હકૂમત જૂનાગઢની પ્રજા માટે એક આશાનું કિરણ સમાન બની ગઈ હતી.




(પ્રથમ ગામ કબજો કર્યા બાદ લોકસેના)


જૂનાગઢના નવાબ પાસે મોટા પ્રમાણમાં લશ્કર હતું જેમાં 177 અશ્વારોહી સૈનિકો, ઇન્ફન્ટ્રીના 24 સૈનિકો અને 1071 હથિયાર બંધ પોલીસની ટુકડી  હોવા છતાં આરઝી હકૂમતે માત્ર એક દિવસમાં કોઈપણ જાતની લડાઈ કર્યા વગર 11 ગામો કબજે કર્યાની વાત અજાણ્યા સ્થળેથી ચાલતા રેડિયો સ્ટેશન પર વારંવાર પ્રસારીત કરવામાં આવી. નવાબ વધુ કાંઈ સમજે કે નિર્ણય કરે તે પહેલા આરઝી હકૂમતે હવે બીજા દિવસે વધુ 10 ગામો પર કબજો મેળવ્યો. જૂનાગઢની પ્રજા આરઝી હકૂમતની લોકસેનાની બહાદુરીથી ખૂબ ખુશ હતી.




(લોકસેનાના સૈનિકો)


21 ગામો જૂનાગઢ રાજયના આરઝી હકૂમતના કબજામાં આવ્યાના સમાચાર વાયુ વેગે જૂનાગઢ નવાબ મહાબતખાન સુધી પહોંચતા નવાબ ગભરાયા અને પછી.... આવતા અંકમાં  


જૂનાગઢની આઝાદી માટે લોકસેનાની સ્થાપના બાદ આરઝી હકૂમતે યુવાનોની ફૌજ ઊભી કરી અને પછી...


આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?


જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો


નવાબ મહાબત ખાનને ભારે પડ્યો પોતાનો આ નિર્ણય, જાણો જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ


જૂનાગઢના નવાબ મહાબત ખાનના નવાબી ઠાઠમાઠની વાતો વાંચી તમે પણ ચોંકી જશો