Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન
Maha shivratri Melo: આજથી એટલે કે, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસ મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢના ભવનાથમાં યોજાશે.

Maha shivratri Melo: આજથી એટલે કે, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસ મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢના ભવનાથમાં યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નોંધનિય છે કે, મહા શિવરાત્રીના મેળામાં ભવનાથની ગિરી તળેટીમાં 5 દિવસીય મહા શિવરાત્રીનો મેળો આજથી શરૂ થયો છે. શિવરાત્રિના દિવસે મધ્યરાત્રી નાગા સંન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવાની એક વિશેષ પરંપરા છે.
આજથી જૂનાગઢના પવિત્ર ભવનાથ તીર્થ ક્ષેત્રમાં મહાશિવ રાત્રીના મેળાનો પ્રારંભ થશે. જે અંતર્ગત ભવનાથમાં મેળા પૂર્વેના માહોલની ચહલ પહલ જોવા મળી રહી છે. અહીં અનેક સાધુ સંતો પોતાના ધુણાના સ્થળ પર પહોંચી ગયા છે. જયારે હજુ પણ સાધુ સંતો આવી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળાને લઇ અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગિરિ બાપુએ જણાવેલ કે આ વખતે આપડે સૌ મળી પ્રયાસ કરીયે કે 'મેળો પ્લાસ્ટિક મુક્ત બને'.
આ ઉપરાંત તેઓએ એ પણ કહેલ કે આ મેળો કોઈ મનોરંજનનો મેળો નથી પરંતુ આ મેળો અધ્યાત્મનો મેળો છે. મહાદેવ ગિરિ બાપુએ કહેલ આ જીવ અને શિવના મિલનનો મેળો છે. મહત્વનું છે કે મહાશિવ રાત્રીના રાતના સમયે નીકળતી શાહી રવેડીમાં સવાર નાગા સાધુ સંતોના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે. આ રવેડીમાં મુખ્યત્વે શ્રી પંચનામ દશ નામ જૂના અખાડા, શ્રી પંચનામ દશ નામ આહવાહન અખાડા અને શ્રી પંચનામ અગ્નિ અખાડાના સાધુ સંતો મુખ્યત્વે જોડાતા હોય છે. મહાશિવ રાત્રીના મેળા દરમિયાન ભવનાથ પંથક શિવમય માહોલમાં રંગાઈ જતું હોય છે.
તો બીજી તરફ જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રી મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. મેળામાં ભીડ બેકાબુ બનવાની અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે.
ભવનાથમાં રોડ રસ્તા સહીતની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું જણાવ્યું હતું. મેળા દરમિયાન બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. 1 હજારથી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત મૃગી કુંડ નજીક તરવૈયાઓ પણ તૈનાત રહેશે. દૂધ અને છાસ સહીત જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાઈ તેની કાળજી પણ રખાશે. આ તકે ઇન્દ્ર ભારતી બાપુએ જણાવેલ કે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરી લેવાઈ છે. છતા પાણીની સુવિધા સહીતની કોઈ બાબતમાં તંત્રને જરૂર પડશે ત્યાં સાધુ સંતો દ્વારા પણ સહયોગ આપવામાં આવશે. મહત્વનું છે કે 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન શિવ રાત્રીનો મેળો ભવનાથમાં યોજાશે.
આ પણ વાંચો....





















