બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન
દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યું હતું.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યું હતું. ક્ષત્રિય સમાજે રુપાલાની ઉમેદવારી રદ કરવા માટે અલગ-અલગ કાર્યક્રમો આપ્યા છતાં ભાજપે રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખ્યા છે. ક્ષત્રિય સમાજની લડત હવે ભાજપ સામે છે. આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે.
આ મહાસંમેલનમાં તૃપ્તિ બાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, હમણાં તલવાર મ્યાંનમાં છે. આપણી તલવાર આપણી મત બેંક છે અને ઈવીએમમાં 3 સેકન્ડ સુધી દબાવી રાખજો. નાના ગામમાં ભાજપ પ્રચાર કરી શકતું નથી અને નાની ઓરડીમાં મીટીંગ કરી રહ્યા છે. આ સિવાય તેમણે ક્ષત્રિયાણીઓની શક્તિ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, 'તમે 5 મીટરની પાઘડીમાં આટલું અભિમાન કરો છો અમે 10 મીટરની કેસરી સાડી પહેરીએ છીએ અમે પાવર હાઉસ છીએ'.
કરણસિંહ ચાવડાએ મહાસંમેલનમાં સંબોધન કરતા કહ્યું, 'સરદાર સાહેબની કર્મ ભૂમિ બારડોલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે. આ એજ ભૂમિ છે જેને સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર બનાવ્યા.બારડોલીમાં તાપમાન 40 ડિગ્રી છે, પણ સંમેલન જોઈ 80 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. અસ્મિતાનું કેન્દ્ર બિંદુ રાજકોટ છે. તમે અમારી પાઘડી ઊછાળી છે, તમે સમજી લેજો. અમારું નાક કાપવા વાળાનું નાક અમે રહેવા દેતા નથી. ગુજરાતમાં ભાજપ 10 બેઠકો ગુમાવી રહી છે.'
પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વાત કરતાં કહ્યું કે, રાજકીય રીતે ક્ષત્રિયોની બાદબાકી કરવામાં આવી છે. આપણે બધુ જ જાણીએ છીએ કે રાજ્યસભા, વિધાનસભા અને લોકસભામાં આવગણના કરવામાં આવી રહી છે. મારા હાથ નીચે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. સરકારમાં માંગણી મૂકીએ ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિમાં ન મુકાય તેને માટે યોગ્ય રજૂઆત કરવામાં આવે. રૂપાલાના મુદ્દે સંકલન સમિતિ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
બારડોલીમાં આ બીજા ક્ષત્રિય મહાસંમેલનમાં રમજુભાએ ‘બસ હવે બહુ થયું’નું સૂત્ર આપ્યું હતું. જ્યારે કરણસિંહે કહ્યું કે, ભાજપનું બટન સ્વચ્છ રાખજો, જેવું આવ્યું એવું જવા દે’જો.