Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

Background
રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગર, તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.
આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
સુરત જિલ્લાની મિંઢોળા નદી તોફાની બની
સુરત જિલ્લાની મિંઢોળા નદી તોફાની બની હતી. ઉપરવાસમાં વરસાદથી મિંઢોળા નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં પૂર આવતા નેશનલ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા હતા. મીંઢોણા નદીમાં પૂર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. મીંઢોણા બ્રિજ પર અવર જવર બંધ કરાયો હતો.
અમદાવાદમાં આજના દિવસમાં સરેરાશ 2 ઈંચ વરસાદ ખાબક્યો
અમદાવાદમાં આજના દિવસમાં સરેરાશ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે સરખેજ અને ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સરખેજ અને ઘાટલોડિયા, દાણાપીઠ, જમાલપુર, કાલુપુર સહિત મધ્ય ઝોનમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. વાસણા બેરેજના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામા આવ્યા હતા.





















