MGNREGA કૌભાંડ: મંત્રી બચુ ખાબડે દિકરાઓની ધરપકડ બાદ આપ્યું મોટું નિવેદન, કહ્યું, કૉંગ્રેસ...'
રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ પોતાના દિકરાઓની ધરપકડ અને મનરેગા કૌભાંડ મુદ્દે પ્રથમ વખત બોલ્યા છે. બે પુત્રોની ધરપકડ બાદ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે.

અમદાવાદ: રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ પોતાના દિકરાઓની ધરપકડ અને મનરેગા કૌભાંડ મુદ્દે પ્રથમ વખત બોલ્યા છે. બે પુત્રોની ધરપકડ બાદ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે. કૉંગ્રેસ બદનામ કરવાનો પ્રયાસ કરતી હોવાનો મંત્રી બચુ ખાબડે દાવો કર્યો છે.
મંત્રી બચુ ખાબડે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા આરોપો લગાવે છે. બંને પુત્રો નિર્દોષ હોવાનો બચુ ખાબડનો દાવો. મારા પુત્રોની માત્ર સપ્લાય એજન્સી છે. મારા બંને પુત્રો તપાસમાં સહકાર આપશે. લેબર કામ માટે અમારી એજન્સીને કોઈ ઓર્ડર અપાયો નથી. કૉંગ્રેસ દર વર્ષે મારા સામે આવા આરોપો લગાવે છે.
શું હતો સમગ્ર કેસ ?
નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.





















