Lumpy Virus: શું ગાયોના મોતના આંકડા છૂપાવી રહી છે સરકાર? સહાયને લઈને પાલ આંબલિયાએ કોર્ટમાં જવાની આપી ચિમકી
Lumpy Virus: સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસે કહેર વર્તાવતા સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. લમ્પી વાયરસથી ટપોટપ ગાયોના મોત થઈ રહ્યા છે. જેથી કૃષી મંત્રી કચ્છની મુલાકાતે આવ્યા હતા.
Lumpy Virus: સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસે કહેર વર્તાવતા સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. લમ્પી વાયરસથી ટપોટપ ગાયોના મોત થઈ રહ્યા છે. જેથી કૃષી મંત્રી કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમને જ્યારે ગાયોના મોત બદલ સહાય ચૂકવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હાલમાં આ અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. હવે તેમના આ નિવેદન પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. ગઈકાલે કૃષિમંત્રીએ પ્રેસ કોંફરન્સમાં કહ્યું કે લંપીના કારણે 1431 પશુના મૃત્યુ થયા છે. આજે કચ્છમાં મીડિયા સંબોધનમાં કહ્યું કે 1190 પશુના મૃત્યુ થયા છે. 1431-1190 = 241 તો શું 24 કલાકમાં 241 પશુઓ સજીવન થયા છે ?
અમારે પશુપાલકોને તમારો ઉપકાર નથી જોતો
તેમણે આગળ કહ્યું કે, જો 1190 માત્ર કચ્છમાં જ હોય તો બાકીના આખા ગુજરાતમાં 241 જ પશુ મૃત્યુ પામ્યા છે ? આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકારે પશુ મૃત્યુ સહાય આપવા બાબતે કઇ વિચારવાનું ન હોય. સરકારના પશુપાલન વિભાગની વેબસાઈટ પર જોગવાઇઓ લખેલી છે તેનું પાલન કરો. કાયદામાં જોગવાઈ છે એટલે તો વેબસાઈટ પર તમે લખ્યું છે. અમારે પશુપાલકોને તમારો ઉપકાર નથી જોતો અમારો કાયદા મુજબનો હક્ક આપો. પહેલા કાયદા મુજબ આપો પછી વધારાનું આપવું કે નહીં તેની વિચારણા કરજો. કાયદા મુજબ આપવામાં વિચારણા કરવાની ન હોય આદેશ કરવાનો હોય. જો સરકાર જોગવાઈઓ મુજબ નહિ આપે તો અમે નામદર કોર્ટમાં જઈ અમારો હક્ક મેળવશું. જેમ કોરોનામાં નામદર સુપ્રીમ કોર્ટમાંથી મૃતક પરિવાર માટે 50,000 હજાર અપાવ્યા. આમ પાલ આંબલિયાએ સહાયને લઈને સરકારને ચિમકી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂજના આઇસોલેશન વોર્ડની લીધી મુલાકાત
કચ્છમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે. અસરગ્રસ્ત ગાયો માટે ભુજના કોડકી રોડપર આવેલ આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ કલેકટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરશે. ભૂપેન્દ્ર પટેલ અને રાઘવજી પટેલ કચ્છમાં લમ્પી વાયરસની સમીક્ષા કરી રહ્યા છે.
આજે લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે. ભુજના કોડકી રોડ ઉપર બનાવામાં આવેલ આઇસોલેશન સેન્ટર અને વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધા બાદ ભુજ કલેકટરે કચેરી ખાતે ઉચ્ચ અઘિકારીઓ સાથે યોજશે બેઠક.
મુખ્યમંત્રી કચ્છ લમ્પીગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે કિસાન કોંગ્રેસના કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ અપેક્ષાઓ વ્યક્ત કરી. મુખ્યમંત્રી માંડવી, મુન્દ્રા, અબડાસા જેવા અતિ ભયંકર લંપીગ્રસ્ત વિસ્તારની મુલાકાત અવશ્ય લે. ખુલ્લામાં પશુ મૃત્યુદેહ સળી રહ્યા છે તે ભુજપુર ગામની તો અવશ્ય મુલાકાત લે. મુખ્યમંત્રીશ્રી જિલ્લાના તંત્ર પાસેથી ખરેખર મૃત્યુ પામેલા પશુનો સાચો આંકડો મેળવે ને જાહેર કરે.
ખોટા આંકડાઓ જાહેર કરવા બદલ તંત્ર સામે શું કાર્યવાહી કરી તે જાહેર કરે. પશુ મૃત્યુદેહને ખુલ્લામાં રજળતા નાખી દેવા બદલના કારણો જાણે અને લાપરવાહી બદલ જવાબદારને દંડે. કચ્છમાં ફોરેસ્ટના ઘાસચારાના ગોદામો ભરેલા પડ્યા છે એમાંથી ઘાસચારો આપવામાં આવે. પશુને ભુસુ, ગોળનું પાણી વગેરે એનર્જીવાળો ખોરાક માટે વ્યવસ્થા કરે. પશુ મૃત્યુના કારણે રોજીરોટી ગુમાવનાર માટે પશુ મૃત્યુ સહાય જાહેર કરવામાં આવે. વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા બાદ આ રોગને નાથવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે.
ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ 20 જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે.