બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો
બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતનો આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાંથી વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થયો હતો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે, બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો, તે યોગ્ય નથી. ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરાા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી. નાથાભાઈ પટેલના મતે, ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કૉંગ્રેસ લોકોની પડખે ઉભી રહેશે.
તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાતા અમૃતજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. અમૃતજી ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યાનો અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો.
થરાદ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી જ્યારે કાંકરેજ વિસ્તારમાં આ નિર્ણયને લઈ નારાજગી જોવા મળી હતી. કાંકરેજના લોકોની માંગ છે કે કાંકરેજ તાલુકાનો સમાવેશ પાટણ જિલ્લામાં કરવામાં આવે કારણ કે કાંકરેજથી થરાદનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે છે. જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કાંકરેજમાં સરકારના નિર્ણય સામે આંદોલનના સૂર પણ ઉઠ્યા હતા. કાંકરેજનો વાવ-થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય તેવી મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.
કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂ થયો હતો. આજે શિહોરીમાં વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વહેલી સવારથી સ્વયંભૂ શિહોરીની બજારો સજ્જડ બંધ રહી હતી. ગઈકાલે થરાદને જિલ્લો જાહેર કરતાની સાથે જ કાંકરેજના શિહોરીમાં વિરોધ થયો હતો. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરાઇ હતી.
નોંધનીય છે કે રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા 8થી વધારીને 17 કરવાનો નિર્ણય લેવાશે, 9 નગરપાલિકાઓને મહાપાલિકામાં ફેરવવાના નિર્ણયને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે. સુરેન્દ્રનગર, ગાંધીધામ, પોરબંદર,વાપી,આણંદ, મહેસાણા, નવસારી, નડિયાદ અને મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે બપોર બાદ સત્તાવાર જાહેરાત કરાશે.
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ