3 દિવસ સુધી 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ક્યાંક તમારી દિવાળીનું સેલિબ્રેશન તો નહીં બગડે ને? જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

Gujarat Weather Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ વરસાદની આગાહી છે. દાહોદ જિલ્લામાં મીરાખેડી ગામે ધીમીધારે વરસાદ વરસતા દિવાળીના માહોલમાં ભંગ પડ્યો છે અને ખેડૂતો રવિ પાકને લઈને ચિંતામાં મુકાયા છે. આવતીકાલે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
આજે 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આ અણધાર્યા હવામાન પલટાને કારણે નાગરિકોની તહેવારની મજા બગડી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુર માં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવો વરસાદ થવાની આગાહી છે.
ખેડૂતોની ચિંતામાં વધારો અને દિવાળીના રંગમાં ભંગ
હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મીરાખેડી ગામે ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો. તહેવારના માહોલમાં વરસાદ વરસતા નાગરિકોની દિવાળીની ઉત્સાહભરી ખરીદી અને ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે.
આ અકાળ વરસાદને કારણે ખેડૂતો પણ ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે આ સમયે વરસાદ રવિ પાક અને સંગ્રહિત પાકને નુકસાન પહોંચાડી શકે છે.
આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ની સાથે દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને આ વરસાદી માહોલમાં સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.





















