Rain: કડકડતી ઠંડી વચ્ચે છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોના રવિ પાકને નુકસાનની ભીતિ
વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયુ અને ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ અને બાદમાં છોટા ઉદેપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો
Gujarat Rain: કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં સામાન્યથી હળવા કમોસમી વરસાદી ઝાંપટાની આગાહી કરી છે. જોકે, આજે વહેલી સવારેથી જ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર માવઠાંથી લોકો ચિંતાતુર બન્યા છે. છોટા ઉદેપુર તાલુકામાં સવારથી ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયુ અને ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ અને બાદમાં છોટા ઉદેપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુર શહેર ઉપરાંત તેજગઢ, દેવહાંટ, ઝોઝ પંથકમાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં થઇ રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે, માવઠાથી મોટા ભાગના રવિ પાકોને નુકસાન પહોંચવાની પુરેપુરી સંભાવના છે, કપાસ, મકાઈ, તુવેર, દિવેલા સહિતના પાકોને મોટા નુકસાનની ભીતિ છે. હાલમાં છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં વિઝિબિલીટી પણ ઓછી થઇ છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ભાવનગર, નર્મદા, વલસાડ, સુરત, અને ડાંગમાં વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન પહોંચી છે. ત્યા ફરી એક વખત રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. અમૂક જગ્યાએ સામાન્ય વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 10 જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી સૂકું રહે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 9મી તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે મંગળવારે છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધી શકે છે. જેનાથી ગરમી વધશે અને ઠંડી ઘટશે. આવતી કાલથી વાતાવરણ સૂકું રહેશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.