ભાવનગરના ઘોઘા ગામમાં વગર વરસાદે ફરી વળ્યા પાણી, જાણો કારણ
પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં દરિયાનું પાણી ફરી વળ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, ઘોઘામાં પ્રોટેક્શન વોલ તૂટી જતા હાઈટાઈડ સમયે ગામના મોટાભાગના વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા. ઘોઘા ગામમાં ચારેય તરફ દરિયાનું પાણી જોવા મળી રહ્યું છે. ઘોઘાની સેન્ટ મેરી સ્કૂલ, મોરા વિસ્તાર, જેટી રોડ, માછીવાડા, લાઈટ હાઉસ, જુનુ સરકારી ગેસ્ટ હાઉસ, પીરાણા પીરની દરગાહ સહિતના વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગ્રામજનોનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતા હજુ સુધી પ્રોટેક્શન વોલને લઈને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દરિયાના પાણી ફરી વળતા સ્થાનિકોના માલસામાનને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
ભરૂચના ઇસ્લામપુર ગામમાં ઘૂસ્યા દરિયાના પાણી
ભરૂચના ઈસ્લામપુર ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા હતા. જંબુસરના ઈસ્લામપુર ગામના નવીનગરી વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા. દરિયામાં ભરતી આવતા નવીનગરી વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યા હતા. દરિયાના પાણી રોકવાનો પાળો વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોએ આ પાળો નવો બનાવવા માટે માંગ કરી હતી.





















